નાની ઉમરના મેયર મળ્યા પરંતુ નિયમોની કશી માહિતી નહિ, જવાબ આપવાથી ભાગે છે – મોરબીને ભગવાન બચાવે !
સામાન્ય સભા બંધ બારણે યોજી પત્રકારોને જવાબ આપવામાં યુવા મેયર સાહેબ ગેંગેફેફે થઇ ગયા રાજકોટ મનપાના અધિનિયમો અપનાવ્યા પરંતુ અધિનિયમમાં શું આવે તેનો જવાબ મેયર પાસે નથી




મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ નાગરિકોને સુવિધાઓ મળશે તેવો આશાવાદ જાગ્યો હતો અને સવા વર્ષના અધિકારી શાસન બાદ ચુંટણી યોજાઈ અને મોરબીની પ્રજાએ તમામ ૫૨ બેઠકો ભાજપને આપી હતી અને મોરબીને યુવા મેયર આપવામાં આવ્યા હતા જે ચાર દિન કી ચાંદની સમાન સાબિત થયા છે યુવા મેયરની ઉમર નાની હોવાથી અનુભવની કમી તો સ્વાભાવિક છે સાથે જ કોઈ નિયમોની પણ સાહેબ પાસે જાણકારી નથી અને પત્રકારોને જવાબ આપવામાં ગેંગેફેફે થઇ ગયા હતા ત્યારે મોરબીને ભગવાન બચાવે તેવી પ્રાર્થના પ્રબુદ્ધ નાગરિકો કરી રહ્યા છે
મોરબી મહાનગરપાલિકાની આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય સભામાં પત્રકારોને પણ જવાનું રહેતું હોય છે વિવિધ સમાચાર માધ્યમોના પત્રકારો પણ સામાન્ય સભાના કવરેજ માટે ઉપસ્થિત હતા જોકે ભાજપ પાસે તમામ ૫૨ બેઠકો હોવાથી બંધ બારણે સામાન્ય સભા યોજવી હોવાથી પત્રકારોને સામાન્ય સભામાં બેસવા દેવામાં આવ્યા ના હતા અને બંધ બારણે બધી ચર્ચા કરી લેવામાં આવી હતી અને એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી એક તરફ ભાજપ શાસિત મહાપાલિકામાં પત્રકારોને બેસવા માટે જગ્યા નથી તો બીજી તરફ ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરના પતિદેવો બિરાજમાન થયેલા જોવા મળ્યા હતા ભાજપ શાસિત મહાપાલિકામાં પત્રકારોને કવરેજ કેમ કરવા દેવામાં આવતું નથી ? શું ભ્રષ્ટાચાર છૂપાવવો છે? શું તમામ ૫૨ બેઠકો જીત્યા હોવાથી ભાજપને ઘમંડ છે કે કોઈને જવાબ આપવાનો નથી અને મનમરજીથી શાસન ચલાવવાનું છે તેવા સવાલો ઉઠી રહ્યા છે
યુવા મેયર પાસે જ્ઞાનની કમી, પત્રકારોને જવાબ આપવામાં ગેંગેફેફે
મોરબી મહાપાલિકાની ચુંટણીમાં તમામ ૫૨ બેઠકો જીત્યા બાદ ભાજપે હમેશની જેમ આશ્ચર્ય આપતા નવું જ નામ ઉત્તમ સુરાણીનું મેયર તરીકે જાહેર કર્યું હતું અને યુવા મેયર મોરબીની શકલ બદલી નાખશે તેવી હવા ઉભી કરવામાં આવી હતી જોકે બે-ત્રણ માસમાં જ હવા નીકળી ગઈ છે મોરબીમાં સામાન્ય જેવા વરસાદમાં સ્થિતિ કાબુ બહાર જતી રહી હતી તો આજે સામાન્ય સભામાં પત્રકારોને બહાર કાઢવા મામલે મેયર જવાબ આપી શકયા ના હતા અને કમિશ્નર પર તમામ જવાબદારી ધોળી નાખવાની પેરવી કરવામાં આવી હતી મેયરની કોઈ જવાબદારી જ ના હોય તેમ કમિશ્નરને પત્રકારો અને કેમેરા સામે જવાબ આપવા આગ્રહ કર્યો હતો પરંતું મેયરને અધિનિયમો અંગે પૂછતાં નવી મહાપાલિકા હોવાથી રાજકોટ મનપાના અધિનિયમો અપનાવ્યનું જણાવ્યું હતું જોકે અધિનિયમ શું છે તેનો જવાબ મેયર પાસે ના હતો અને પત્રકારોના સવાલોથી આખરે ગભરાઈ જઈને મેયર ચાલતા થયા હતા શું આ રીતે અઢી વર્ષ શાસન ચલાવવામાં આવશે ? તે મોટો પ્રશ્ન છે
કોર્પોરેટરના પતિદેવો મામલે મેયરે ખુલાસો માંગ્યો છે, ચલાવી લેવાય નહિ : કમિશ્નર
આજે એક તરફ પત્રકારોને સામાન્ય સભામાં બેસવા દેવામાં આવ્યા ના હતા તો આજે બીજી સામાન્ય સભામાં પણ મહિલા કોર્પોરેટરના પતિદેવો બેઠેલા જોવા મળ્યા હતા જે મામલે કમિશ્નર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે એ મામલે મેયરે ખુલાસો માંગ્યો છે આ ગંભીર બાબત છે ચલાવી લેવાય નહિ, કોર્પોરેટરોને આઈ કાર્ડ આપવામાં આવ્યા છે ભવિષ્યમાં તકેદારી રખાશે તો પત્રકારોને કાઢવા મામલે ખુલાસો કર્યો હતો કે મેયરને ચર્ચા કરવાની હોવાથી ૧૦ મિનીટ બહાર જવા કહ્યું હતું અને કોઈ ગેર સમજણ થઇ છે જોકે કમિશ્નરે પત્રકારોને બહાર જવાનું કહ્યું ત્યારે ૧૦ મિનીટ માટે એવું કશું જણાવ્યું ના હતું અને કમિશ્નર પણ લીપાપોતી કરતા જોવા મળ્યા હતા એટલું જ નહિ મેયર અને કમિશ્નર વચ્ચે તાલમેલનો અભાવ પણ જોવા મળ્યો હતો
મોરબી મહાપાલિકાની ૧૫ સમિતિની રચના, ચેરમેન, વાઈસ ચેરમેન અને સભ્યોની વરણી
આજે મોરબી મહાનગરપાલિકાની બાંધકામ સમિતિ, સેનિટેશન સમિતિ, સમાજ કલ્યાણ સમિતિ, આરોગ્ય-લાઈટીંગ, વોટર વર્કસ સમિતિ, કાયદો અને નિયમોની સમિતિ, માર્કેટ સમિતિ, પ્લાનિંગ, ડ્રેનેજ અને બાગ બગીચા સહિતની ૧૫ સમિતિની રચના કરીને ચેરમેન, વાઈસ ચેરમેન અને સભ્યોની નિમણુક કરવામાં આવી હતી
ભંગાર ચોરી-બાળ મજુરી મામલે કમિશ્નરે કાર્યવાહીની ખાતરી આપી
મોરબીમાં ખુબ ગાજેલા ભંગાર ચોરી મામલે કમિશ્નરે કર્મચારીને નોટીસ આપી હતી જે જવાબ આપ્યો તે અમાન્ય રાખ્યો છે અને FIR દાખલ કરવા ચીફ ઓડીટરને તપાસ સોપવામાં આવી છે નિયમો અનુસાર ફરિયાદ સહિતની કાર્યવાહી કરવામાં આવશે તો મહાપાલિકાના ગાર્બેજ કલેક્શન એજન્સી દ્વારા બાળ મજુરી મામલે જણાવ્યું હતું કે શ્રમ અધિકારીએ બાળ મજુરી અંગે પોલીસ ફરિયાદ કરી છે તેમની પાસે સત્તા છે અમારા ધ્યાને આવશે તો તેમને રીફર કરશું તેમજ એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવા અહેવાલ કરાશે તો પગલા લેવામાં આવશે બાળ મજુરી ક્યારેય સાંખી લેવાય નહિ અને એજન્સીઓને પણ નિયમોનું પાલન કરવાનું રહેશે


