હળવદ પોલીસનો દેશી હથિયારના કાળા કારોબાર પર પ્રહાર : તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

ભલગામડા ગામની સીમમાંથી દેશી બનાવટનો તમંચો કબજે, આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

 

હળવદ પોલીસને દેશી હથિયારોના કેરિયરને પકડી પાડવામાં સફળતા મળી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ભલગામડા ગામની સીમ વિસ્તારમાં દરોડો પાડી એક શખ્સને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. 3,000 કિંમતનો એક દેશી બનાવટનો તમંચો કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, જિલ્લા પોલીસ વડા તથા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ હથિયારોના ગેરકાયદેસર વેપાર અને હેરફેર અટકાવવા માટે વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. તે દરમિયાન હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભલગામડા ગામની વાડી વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી.

દરોડા દરમિયાન પોલીસે જીતુ અમરશીભાઈ ઉઘરેજા (રહે. ભલગામડા, તા. હળવદ, જી. મોરબી) ને ઝડપી પાડી તેની પાસેથી એક દેશી બનાવટનો તમંચો કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી પાસે હથિયાર રાખવા અંગે કોઈ કાયદેસર પરવાનો ન હોવાનું સામે આવતા તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે કબજે કરાયેલ હથિયારનો સ્ત્રોત, તેનો ઉપયોગ અને અન્ય સંડોવાયેલા ઇસમો અંગે વધુ તપાસ શરૂ કરી છે.

આરોપી : જીતુ અમરશીભાઈ ઉઘરેજા, ભલગામડા, મુદ્દામાલ : દેશી બનાવટનો તમંચો,કિંમત : રૂ. 3,000 જપ્ત કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો, હળવદ પોલીસ દ્વારા આગળની વધું કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

મયુર રાવલ હળવદ

Leave A Reply

Your email address will not be published.