

વાંકાનેરના વેલનાથપરા વિસ્તારમાં રહેતા એક યુવકને જૂની અરજીની અદાવત રાખી બે શખ્સોએ રસ્તામાંથી આંતરી, બળજબરીપૂર્વક એક્ટિવા પર બેસાડી અપહરણ કર્યું હતું. અવાવરું જગ્યાએ લઈ જઈ યુવકને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ઘટનાની વિગતવાર માહિતી મુજબ, ફરિયાદી હાર્દિકભાઈ પરસોત્તમભાઈ સરાવાડીયાને આરોપીના મોટા ભાઈના ઘરે અવારનવાર જવાનું થતું હતું, તેમજ ફરિયાદીની ધર્મની માનેલ બેનએ અગાઉ આરોપી વિરુદ્ધ પોલીસમાં અરજી કરવામાં આવી હતી. આ બાબતનો ખાર રાખી આરોપી સામજીભાઈ ઉર્ફે શ્યામ દિનેશભાઈ દેલવાડીયા અને રોકુ કોળી નામના શખ્સોએ હાર્દિકભાઈને ગોકુલનગર પાસે રોડ પર અટકાવ્યા હતા. આરોપીઓએ હાર્દિકભાઈનું એક્ટિવા પર અપહરણ કરી તેમને ગાળો આપી હતી અને લાકડાના ધોકા વડે શરીરના ભાગે મુંઢમાર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલા દરમિયાન આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વાંકાનેર સીટી પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




