મોરબી પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજમાતા સ્વ. વિજય કુંવરબાના નિધન પર ઊંડી સંવેદના દર્શાવી: ન્યુ પેલેસ ખાતે પધારી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા

 સ્વ. પ્રવીણભાઈના અવસાનથી શોકગ્રસ્ત ભાલોડિયા પરિવારજનોને મળી સાંત્વના પાઠવી

 

 

મોરબીની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી રાજપરિવારના મોભી રાજમાતા સ્વ. શ્રી વિજય કુંવરબાના દુઃખદ નિધન પર ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ન્યુ પેલેસ ખાતે ઉપસ્થિત રહી તેમની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી સદ્ગત આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.

આ સાંત્વના મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ મહારાજકુમારીશ્રી રૂક્ષ્મણીદેવી, મહારાજકુમારીશ્રી દ્રોપદીદેવી, મહારાજકુમારીશ્રી ઉમાદેવી, શ્રી વિશાલ આદિત્યસિંહજી જાડેજા સહિત શોકગ્રસ્ત રાજપરિવારના સભ્યો અને સ્નેહીજનો સાથે મુલાકાત કરી તેમને આ દુઃખદ આઘાત સહન કરવાની શક્તિ મળે તે માટે સાંત્વના પાઠવી હતી. મોરબીના પ્રજાકલ્યાણ, પરંપરાગત વારસો જાળવવામાં તથા વિવિધ સામાજિક-સેવાકીય કાર્યોમાં સ્વ. રાજમાતા વિજય કુંવરબાના સ્મરણીય યોગદાનને મુખ્યમંત્રીએ આ તકે આદરપૂર્વક યાદ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી સાથે મંત્રી સર્વ જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ પાનેસેરીયા, ત્રિકમભાઈ છાંગા અને કાંતિલાલ અમૃતિયા,  રીવાબા જાડેજા, મોરબી મેયર ઉત્તમ સુરાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય  પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મોરબી કમિશનર સંગીતા રૈયાણી તેમજ સ્થાનિક પદાધિકારીઓ, મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીના આંગણે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અજંતા ઓરેવા ગ્રુપના જાણીતા ઉદ્યોગપતિ સ્વ. શ્રી પ્રવિણભાઈ ભાલોડિયાના દુઃખદ નિધન પર ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્વ. પ્રવિણભાઈ ભાલોડિયાના નિવાસસ્થાને હાજરી આપીને સદ્ગત આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવી

મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ પ્રવીણભાઈ ભાલોડીયાનું તાજેતરમાં અવસાન થયું હતું ત્યારે મુખ્યમંત્રીએ આજે ભાલોડીયા પરિવારને રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી આ સાંત્વના મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ પ્રવીણભાઈના પુત્ર નેવિલભાઈ ભાલોડીયા, હિમાંશુભાઈ ભાલોડીયા અને ભાઈ જયસુખભાઈ ભાલોડીયા સહિત શોકગ્રસ્ત પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમને આ આઘાત સહન કરવાની શક્તિ મળે તે અર્થે સાંત્વના પાઠવી હતી.

Leave A Reply

Your email address will not be published.