

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મોરબી પ્રવાસે હતા જેમાં બપોરે જીલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચી સૌરાષ્ટ્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સૌરાષ્ટ્રના જીલ્લા પ્રમુખ અને પ્રભારી સહિતના આગેવાનો સાથે મીટીંગ યોજી હતી મીટીંગ બાદ સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી તેમજ સ્વ. રાજમાતાનું અવસાન થતા રાજવી પરિવારને રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી
સૌરાષ્ટ્ર ઝોનની બેઠક અને રાજવી પરિવાર તેમજ ભાલોડીયા પરિવારને સાંત્વના પાઠવ્યા બાદ મુખ્યમંત્રી સામાકાંઠે નવનિર્મિત BAPS સ્વામીનારાયણ મંદિર, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યા હતા જ્યાં કાર્યક્રમને અનુરૂપ સંબોધન કરતા જણાવ્યું હતું કે બી.એ.પી.એસ. સંસ્થાએ દેશ તેમજ વિદેશમાં બેનમુન મંદિરો બનાવ્યા છે દુબઈ અને પેરીસ જેવા શહેરોમાં મંદિરો સ્થાપી ભારતીય સંસ્કૃતિને વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે મોરબીને સુંદર મંદિરની ભેટ મળતા શહેરની શોભા અને ગૌરવમાં વધારો થયો છે સિરામિક સીટી તરીકે ઓળખાતા મોરબીની સ્પીરીચ્યુઅલ સીટી તરીકેની યાત્રા શરુ થઇ ચુકી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સંસ્થાના સેવાકાર્યોની જાહેર મંચ પરથી સરાહના કરી છે ભારતની વાસુદેવ કુટુમ્બકમ ઉક્તિને સંસ્થાએ ચરિતાર્થ કરી હોવાનું જણાવ્યું હતું
રાજ્યના મુખ્યમંત્રી ઉપરાંત મહામંત્રી રત્નાકરજી, મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, રીવાબા જાડેજા, કાન્તિલાલ અમૃતિયા, ત્રિકમભાઈ છાંગા, પ્રફુલભાઈ પાનસેરીયા, જીતુભાઈ વાઘાણી, સાંસદ અને ધારાસભ્યો બેઠક અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અન્ય સ્થળોએ ઉપસ્થિત રહ્યા હતા
શોકગ્રસ્ત ભાલોડિયા પરિવારજનોને મળી સાંત્વના પાઠવી
મોરબીના આંગણે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અજંતા ઓરેવા ગ્રુપના જાણીતા ઉદ્યોગપતિ સ્વ. પ્રવિણભાઈ ભાલોડિયાના દુઃખદ નિધન પર ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી હતી. સ્વ. પ્રવિણભાઈ ભાલોડિયાના નિવાસસ્થાને હાજરી આપીને સદ્ગત આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.આ સાંત્વના મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ પ્રવીણભાઈના પુત્ર નેવિલભાઈ ભાલોડીયા, હિમાંશુભાઈ ભાલોડીયા અને ભાઈ જયસુખભાઈ ભાલોડીયા સહિત શોકગ્રસ્ત પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમને આ આઘાત સહન કરવાની શક્તિ મળે તે અર્થે સાંત્વના પાઠવી હતી.
રાજમાતા સ્વ. વિજય કુંવરબાના નિધન પર ઊંડી સંવેદના દર્શાવી : ન્યુ પેલેસ ખાતે પધારી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા
મોરબીની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી રાજપરિવારના મોભી રાજમાતા સ્વ. શ્રી વિજય કુંવરબાના દુઃખદ નિધન પર ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ન્યુ પેલેસ ખાતે ઉપસ્થિત રહી તેમની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી સદ્ગત આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. આ સાંત્વના મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ મહારાજકુમારીશ્રી રૂક્ષ્મણીદેવી, મહારાજકુમારીશ્રી દ્રોપદીદેવી, મહારાજકુમારીશ્રી ઉમાદેવી, શ્રી વિશાલ આદિત્યસિંહજી જાડેજા સહિત શોકગ્રસ્ત રાજપરિવારના સભ્યો અને સ્નેહીજનો સાથે મુલાકાત કરી તેમને આ દુઃખદ આઘાત સહન કરવાની શક્તિ મળે તે માટે સાંત્વના પાઠવી હતી. મોરબીના પ્રજાકલ્યાણ, પરંપરાગત વારસો જાળવવામાં તથા વિવિધ સામાજિક-સેવાકીય કાર્યોમાં સ્વ. રાજમાતા વિજય કુંવરબાના સ્મરણીય યોગદાનને મુખ્યમંત્રીએ આ તકે આદરપૂર્વક યાદ કર્યું હતું.
શનિવારે સાંજે ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી
બીએપીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં શુક્રવારે વિશ્વ શાંતિ મહાયજ્ઞ અને અભિવાદન સમારોહ યોજાયો હતો તેમજ શનિવારે સાંજે ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તે ઉપરાંત આગામી દિવસોમાં સત્સંગ સભા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિરાટ મહિલા સંમેલન સહિતના કાર્યક્રમો યોજાનાર છે














