

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે મોરબી જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા માટે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ આજે વહેલી સવારે મોરબી ખાતે સહપરિવાર મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી હતી.
મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત નિયત મતદાન મથક પર પહોંચી, સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ મંત્રીએ પોતાની આંગળી પર લાગેલી અમિટ શાહીનું નિશાન ગર્વભેર દર્શાવી લોકશાહીના આ પર્વને વધાવ્યું હતું અને જણાવ્યું હતું કે, “મજબૂત અને પારદર્શક વહીવટ માટે મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે.” તેમણે મોરબીના તમામ નગરજનોને પણ ઘરની બહાર નીકળી, નિર્ભય બનીને લોકશાહીના પર્વમાં મહત્તમ મતદાન કરવા અપીલ કરી હતી.


