વાંકાનેરના નવાપરામાં દીવાલમાં પાણી ઉતરવા બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું: સામસામે ફરિયાદ નોંધાઈ

 

વાંકાનેરના નવાપરામાં દીવાલમાં પાણી ઉતરવા જેવી સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક અથડામણ થઈ હતી. ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે થયેલી તકરારમાં બંને પક્ષે લાકડાના ધોકા અને ઈંટોના છૂટા ઘા ઝીંકી એકબીજાને ઈજાઓ પહોંચાડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ ફરિયાદમાં દિનેશભાઈ કેશુભાઈ ભોજવીયાએ જણાવ્યું છે કે, તેમના ઘરમાંથી બાજુમાં રહેતા કાકા ઝવેરભાઈના ઘરની દીવાલમાં પાણી ઉતરતું હોવાથી આરોપીઓએ ગાળો આપી ઝઘડો કર્યો હતો. આ દરમિયાન આરોપી કંચનબેને સાહેદ જ્યોતિબેનના વાળ પકડી પછાડી દીધા હતા, જ્યારે ઝવેરભાઈએ ફરિયાદીને લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત અન્ય ત્રણ શખ્સો જયંતિ રાયસીંગ ભોજવીયા, આકાશ જંયતિભાઇ ભોજવીયા, અજય ઝવેરભાઇ ભોજવીયાએ આવીને ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી ગાળાગાળી કરી હોવાનું ફરિયાદમાં નોંધાવાયું છે.

સામા પક્ષે ઝવેરભાઈ રાયસીંગભાઈ ભોજવીયાએ વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના ભાઈ કેશુભાઈના ઘરમાંથી પાણી આવતું હોવાથી તેઓ પાણી અટકાવવા માટે ‘ચાંદી’ નાખવાનું કહેવા ગયા હતા. આ વાતનું મનદુઃખ રાખી આરોપીઓ જયોતિબેન રાજેશભાઇ ભોજવીયા, દિનેશ કેશુભાઇ ભોજવીયા, કેશુભાઇ રાયસીંગભાઇ ભોજવીયા, રાજેશ કેશુભાઇ ભોજવીયા અને રોહિત કેશુભાઇ ભોજવીયાએ ગાળો આપી હતી અને ઈંટોના છૂટા ઘા માર્યા હતા. જેમાં ફરિયાદી ઝવેરભાઈ, મેહુલભાઈ અને પૂજાબેનને ઈંટો વાગતા ઈજાઓ પહોંચી હતી. તેમજ આરોપીઓએ સંજયભાઈને ઢીકાપાટુનો માર માર્યો હોવાનું જણાવ્યું છે.

Leave A Reply

Your email address will not be published.