માળીયા ત્રણ રસ્તા ઓવરબ્રિજ પર અકસ્માત: ડમ્પરે ડિવાઈડર ટપી કારને ઠોકર મારતા રાજકોટનો પરિવાર ઘાયલ


મોરબી-કચ્છ નેશનલ હાઈવે પર માળીયા ત્રણ રસ્તા પાસે આવેલ ઓવરબ્રિજ પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પરે ડિવાઈડર કુદાવી સામેની સાઈડથી આવતી કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર રાજકોટના એક જ પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ડમ્પર ચાલકની ગફલતને કારણે સર્જાયેલા આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બનાવની વિગતો અનુસાર, રાજકોટના નાના મૌવા રોડ પર રહેતા પ્રવીણભાઈ મોહનભાઈ વેકરીયા પોતાની ટોયોટા હાઈરાઈડર કાર નંબર-GJ 03 NP 2966 લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન માળીયા ઓવરબ્રિજ પર ચડતા સમયે સામેની સાઈડથી આવતા ડમ્પર નંબર-GJ 12 BV 5671 ના ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ડમ્પર ડિવાઈડર ટપીને ફરિયાદીની કાર સાથે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં પ્રવીણભાઈને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે તેમની બાજુમાં બેઠેલા પત્ની રીટાબેનને પાંસળી અને કરોડરજ્જુના ભાગે ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી. ફરિયાદીના સાળી સોનલબેનને પણ પગના પંજામાં ફ્રેક્ચર થયું હતું. ફરિયાદ નોંધાતા માળિયા પોલીસે આગલ્મી કાર્યવાહી હાથ ધરી છે.


