વાંકાનેરમાં એક દિવસમાં અપમૃત્યુના બે બનાવ

 

વાંકાનેરમાં એક દિવસમાં અપમૃત્યુના બે બનાવ બન્યા હતા. એક બનાવમાં ૧૮ વર્ષીય યુવાને આત્મહત્યા કરી હતી તો બીજા બનાવ મુજબ કંપનીમાં કામ કરતી વખતે માટીમાં દબાઈ જતા એક શ્રમિકનું મોત નીપજ્યું હતું.

પ્રથમ ઘટના મુજબ બનાવની વિગતો મુજબ, વિનયગઢ ગામની સીમમાં આવેલી વાડીએ રહેતા દેવરાજભાઇ વજુભાઇ રાઠોડ નામના યુવાને ગત તા. ૨૧ એપ્રિલના રોજ સવારના સમયે કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બનાવને પગલે તેને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે બોટાદ તેમજ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અંતે વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવાનના પિતા વજુભાઇ રણછોડભાઇ રાઠોડે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવની વિગતો અનુસાર, માટેલ રોડ પર અમરધામ સામે આવેલી કે.એ.જી. ગ્રેનાઇટો એલ.એલ.પી. કંપનીમાં મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહી મજૂરી કામ કરતા ૩૨ વર્ષીય પ્રકાશભાઈ અન્નુભાઈ સોર ગત રોજ સ્પ્રે ડાયરની ચેમ્બર સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન ચેમ્બરનો નીચેનો ભાગ અચાનક તૂટી પડતા પ્રકાશભાઈ માટી સાથે નીચે પટકાયા હતા અને માટીમાં ગૂંગળાઈ જવાથી બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતની નોંધ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.