

વાંકાનેરના તીથવા ગામે ચાલી આવતી શંકા-કુશંકા અને જૂની અદાવત રાખીને પાડોશીઓ દ્વારા એક પરિવાર પર લોખંડના પાઇપ અને ઢીકાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ફરિયાદીની દીકરી અને ભત્રીજીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે ભોગ બનનાર પરિવારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


ઘટનાની વિગત મુજબ, વાંકાનેરના તીથવા ગામે સ્કૂલ પાસે નાસ્તાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મુમતાજબેન સલીમશા શાહમદારે યુનુશ કાળુભાઇ હાલા, યાસ્મીન યુનુશભાઇ હાલા, સમીર આદમભાઇ દલપોત્રા અને મુસ્તાક ઉર્ફે મુસો હાજીભાઇ દલપોત્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે ફરિયાદીના પાડોશમાં રહેતા યાસ્મીનબેન અને યુનુસભાઈ હાલા અવારનવાર તેમના પર ખોટી શંકા રાખીને ઝઘડો કરતા હતા. તાજેતરમાં ફરિયાદીનો પરિવાર પોતાના ઘરે હાજર હતો, ત્યારે અચાનક દરવાજો જોરજોરથી ખખડાવીને પાડોશીઓ લાકડી અને લોખંડના પાઇપ સાથે ધસી આવ્યા હતા. આ દરમિયાન આરોપીઓ પૈકી સમીર નામના વ્યક્તિએ ફરિયાદીની દીકરી જસ્મીનને ખભાના ભાગે લોખંડનો પાઇપ મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઝઘડો રોકવા વચ્ચે પડેલી ફરિયાદીના ભાઈની દીકરી સાનીયાને પણ મુસ્તાક નામના અન્ય આરોપીએ ઢીકાપાટુનો માર મારી નીચે પાડી દીધી હતી. હુમલાખોરોએ સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગાડી GJ03ML2019માં ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વાંકાનેર અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.