


મોરબીની બેલા ચોકડી પાસે પુરપાટ જતા આઈશર ટ્રકના ચાલકે ડબલ સવારી એકટીવાને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક ચાલક ૪૪ વર્ષીય આધેડને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું જયારે પાછળ બેસેલ ૬૦ વર્ષના વૃદ્ધને માથા અને હાથ તેમજ પગમાં ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે
મોરબીના ભડિયાદ કાંટા પાસે જવાહર સોસાયટીના રહેવાસી મનસુખભાઈ ધનજીભાઈ ઉર્ફે ધનાભાઇ ભંખોડીયા (ઉ.વ.૫૬) વાળાએ આઈશર ટ્રક જીજે ૩૬ વી ૦૭૩૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ ભુપેન્દ્રભાઈ ધનજીભાઈ ભંખોડીયા (ઉ.વ.૪૪) રહે રોટરીનગર લક્ષ્મીનગર ગામ તા. મોરબી વાળા પોતાનું એકટીવા જીજે ૩૬ એએમ ૦૯૭૯ લઈને દેવજીભાઈ બચુભાઈ સંઘાણી (ઉ.વ.૬૦) વાળાને પાછળ બેસાડી બેલા ચોકડી બેલા રંગપર ગામ પાસેથી જતા હતા ત્યારે આઈશર ટ્રકના ચાલકે એકટીવાને હડફેટે લઈને અકસ્માત કર્યો હતો
જે અકસ્માતમાં પાછળ બેસેલ દેવજીભાઈને માથાના ભાગે ઈજા તેમજ હાથ અને પગમાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી અને ફરિયાદીના ભાઈ ભુપેન્દ્રભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમીયાન મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે આઈશર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે