


હળવદ તાલુકાના મયુરનગર મુક્તિધામને અંદાજે રૂ. 3.50 લાખની કિંમતનો વૈકુંઠ રથ દાન સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો. આ સેવાકાર્ય અશોકભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ, ધીરુભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ, પિન્ટુભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ તથા તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
વૈકુંઠ રથના આગમન પ્રસંગે ગામમાં ઢોલ-નગારાના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગામના વિવિધ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહી દાતાશ્રી પરિવારનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. પ્રસંગ દરમિયાન ગામના આગેવાનો દ્વારા દાતાશ્રી પરિવારને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. મયુરનગર મુક્તિધામ કમિટી અને ગ્રામજનોએ પ્રજાપતિ પરિવારની સેવાભાવી ભાવનાને બિરદાવી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રજાપતિ પરિવાર છેલ્લા 20 વર્ષથી દર વર્ષે અંદાજે રૂ. 50 હજારના લાકડાનું દાન મુક્તિધામને અર્પણ કરી રહ્યો છે. તેમની આ નિઃસ્વાર્થ સેવાભાવને ધ્યાનમાં રાખીને મયુરનગર મુક્તિધામ કમિટીએ પરિવારને મુક્તિધામના ભામાશા’ નું બિરુદ એનાયત કર્યું હતું. અંતમાં મયુરનગર મુક્તિધામ કમિટી, ગામના તમામ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ દાતાઓ અશોકભાઈ, ધીરુભાઈ, પિન્ટુભાઈ પ્રજાપતિ તથા તેમના સમગ્ર પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી તેમના સેવાકાર્યોને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા.
મયુર રાવલ હળવદ



