હળવદના દેવપુરમાં પ્લોટ અને માતાજી લાવવા બાબતે બોલાચાલી બાદ કૌટુંબિક ભાઈઓ વચ્ચે બઘડાટી બોલી: સામસામે ફરિયાદ

 

હળવદના દેવપુર (સુખપર) ગામે મકાનના પ્લોટ અને માતાજીના વાવટા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં સામસામે લાકડાના ધોકા અને પથ્થર વડે ઈજાઓ પહોચાડવામાં આવી હતી. ત્યારબાદ બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ ફરિયાદ અનુસાર જેસિંગભાઈ ખેગારભાઈ પંચાસરાએ જણાવ્યું છે કે ફરિયાદીનાં પુત્ર સીંધાભાઇ અને આરોપી લાલજીભાઇ બહાદુરભાઇ પંચાસરા વચ્ચે મકાનના પ્લોટ બાબતે બોલાચાલી થઈ રહી હતી ત્યારે આરોપીએ સીંધાભાઇને લાકડાનો ધોકો જમણા ખંભે મારી સામન્ય મુંઢ ઇજા પહોચાડેલ અને આરોપી બહાદુરભાઇ કુકાભાઇ પંચાસરાએ ફરિયાદીને માથામાં પથ્થર મારીને અને આરોપી બળદેવભાઇ કુકાભાઇ પંચાસરાએ ફરીયાદીના નાના દિકરા સમરથભાઇને માથામા લાકડાનો ધોકો મારીને તથા આરોપી કરણભાઇ બહાદુરભાઇ પંચાસરાએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે સામા પક્ષે બહાદુરભાઈ કુકાભાઈ પંચાસરાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર માતાજીને લાવવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી આરોપીઓ જેસીંગભાઇ ખેંગારભાઇ પંચાસરા, સમરથ જેસીંગભાઇ પંચાસરા અને સીંધા જેસીંગભાઇ પંચાસરાએ લાકડાના ધોકા વડે ફરિયાદી શેરીમાંથી નીકળતા હતા ત્યારે ગાળો આપી તેમના પર હુમલો કર્યો હતો. જેસિંગભાઈએ ફરિયાદીના માથામાં ધોકાનો એક ઘા માર્યો હતો, જ્યારે સીંધાભાઈએ હાથમાં અને સમરથે પીઠ પર ધોકા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 

Leave A Reply

Your email address will not be published.