

હળવદના ટીકર રણ વિસ્તારમાં થાર કાર પર જોખમી સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મૂકનારા એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવા, મોજ-મસ્તી માટે રણમાં બેફામ ગાડી દોડાવી સ્ટંટ કરવાના મામલે હળવદ પોલીસે યુવક સામે ગુનો નોંધ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, હળવદના મીંયાણી ગામના રહેવાસી આશિષ ચંદુભાઇ રંભાણી નામના ૨૦ વર્ષના યુવકે જીજે-૩૬-એસી-૦૧૩૦ નંબરની થાર કાર રણના ખુલ્લા મેદાનમાં પુરઝડપે અને બેફિકરાઈથી દોડાવી હતી. આ યુવક એટલાથી જ ન અટકતા, ચાલુ કારે ઉપર બેસીને છુટા હાથે સ્ટંટ કરી રહ્યો હતો, જેના કારણે રણમાં હાજર અન્ય લોકો અને તેની પોતાની જિંદગી પણ જોખમમાં મુકાઈ હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે યુવક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહોતું. પોલીસે પોતાની અને અન્ય લોકોની સલામતી જોખમાય તે રીતે વાહન ચલાવવા બદલ યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



