હળવદમાં શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલ્લી! હજારો વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો વિના અભ્યાસ કરવા મજબૂર
હળવદની મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પુસ્તક વગર ભણે છે, શિક્ષણ તંત્ર સામે ઉઠ્યા સવાલો... મોડેલ સ્કૂલની ચોંકાવનારી હકીકત: ધોરણ 6થી 8માં છેલ્લા 10 વર્ષથી શિક્ષકોનો અભાવ. 38 શાળાઓમાં પુસ્તકોનો ગંભીર અભાવ, 4400થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર ખોરવાયું એક તરફ પ્રવેશોત્સવના દાવા, બીજી તરફ શિક્ષકો અને પાઠ્યપુસ્તકો વગરનું શિક્ષણ




હળવદ શહેર અને તાલુકામાં શિક્ષણ વ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને શિક્ષણના ગુણવત્તાયુક્ત માળખાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે હળવદની 38 ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હજુ સુધી પાઠ્યપુસ્તકો ન પહોંચતાં 4400થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર ગંભીર રીતે પ્રભાવિત થયું છે. બીજી તરફ શહેરની મોડેલ સ્કૂલમાં ધોરણ 6થી 8માં છેલ્લા દસ વર્ષથી શિક્ષકોની અછત હોવાના આક્ષેપોએ સમગ્ર શિક્ષણ તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
મળતી માહિતી મુજબ 8 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો હોવા છતાં ધોરણ 9થી 12ના હજારો વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્યપુસ્તકો મળ્યા નથી. પરિણામે વિદ્યાર્થીઓ પુસ્તકો વિના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શિક્ષકોને પણ ઓનલાઈન સામગ્રી, ફોટોકોપી અને નોટ્સના આધારે શિક્ષણ કાર્ય ચલાવવું પડી રહ્યું છે. ખાસ કરીને ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. શિક્ષણવિદોનું માનવું છે કે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ પાઠ્યપુસ્તકો ન મળવાથી વિદ્યાર્થીઓના અભ્યાસની ગતિ ધીમી પડી રહી છે અને તેની સીધી અસર તેમના શૈક્ષણિક પરિણામો પર પડી શકે છે.
પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બની છે જ્યારે શહેરની મોડેલ સ્કૂલમાં ધોરણ 6થી 8માં છેલ્લા દસ વર્ષથી પૂરતા શિક્ષકો ન હોવાની હકીકત સામે આવી છે. શિક્ષકોની લાંબા સમયથી ચાલતી અછત વચ્ચે વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. આ ઉપરાંત શહેરની શ્રી એલ. એન. મહેતા શાળાનું બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આશરે 425 વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. જર્જરિત મકાનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સલામતીને લઈને વાલીઓમાં પણ ચિંતા વ્યાપી છે.
એક તરફ સરકાર શિક્ષણને પ્રાથમિકતા આપવાના દાવા કરી રહી છે અને પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા શિક્ષણના ગુણગાન ગાઈ રહી છે, ત્યારે બીજી તરફ હળવદમાં હજારો વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો વિના અને ક્યાંક શિક્ષકો વિના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જેના કારણે શિક્ષણ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. હવે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની નજર શિક્ષણ વિભાગ પર મંડાઈ છે કે તંત્ર ક્યારે પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવે છે, શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરે છે અને જર્જરિત શાળાઓ માટે સુરક્ષિત વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરે છે.
મયુર રાવલ હળવદ


