કેનાલ પર મોતનું મંજર ! ઓવરલોડ ડમ્પરોથી નર્મદા કેનાલને ભારે નુકસાન, સાપકડા પાસે નર્મદા કેનાલ ક્ષતિગ્રસ્ત

હજારો વીઘા ખેતી અને ગ્રામ્ય વિસ્તાર પર તોળાઈ રહ્યો છે સંકટ

 

 

 

હળવદ તાલુકાના સાપકડા ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલની હાલત અત્યંત ચિંતાજનક બની ગઈ છે. કેનાલના પાળા અને દીવાલોમાં અનેક જગ્યાએ તિરાડો પડતાં તેમજ જાળવણીના અભાવે કેનાલ તૂટવાની ભીતિ સર્જાઈ છે. બીજી તરફ કેનાલના માર્ગ પરથી બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરોએ સ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી હોવાનું સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.

 

સ્થાનિકોના જણાવ્યા મુજબ કેનાલની નિયમિત સફાઈ અને સમારકામમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં માત્ર નોટિસો અને કાગળ પરની કાર્યવાહીથી તંત્ર સંતોષ માનતું હોવાનું જણાઈ રહ્યું છે, જ્યારે જમીન પર સ્થિતિ દિવસેને દિવસે વધુ જોખમી બની રહી છે.

 

ખેડૂતોના કહેવા મુજબ નર્મદાનું પાણી છોડવામાં આવે તે પહેલાં કેનાલનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો કોઈપણ સમયે પાળો તૂટી શકે છે. આવી સ્થિતિ સર્જાય તો હજારો વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ શકે છે અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી શકે છે.

કેનાલની દીવાલોમાં પડેલી તિરાડો અને નબળા બનેલા પાળાઓને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે  કેનાલની બાજુમાં થી બ્લેકકેપ ભરેલા ઓવરલોડ ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ કેનાલના માર્ગ પર નિયંત્રણ મૂકવામાં આવે, નહીં તો મોટી દુર્ઘટના અનિવાર્ય બની શકે છે.

 

સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તેમજ કેનાલના જોખમી ભાગોનું યુદ્ધના ધોરણે સમારકામ કરવાની માંગ ઉગ્ર બની છે. જો તંત્ર સમયસર જાગૃત નહીં થાય તો આવનારા દિવસોમાં કેનાલ તૂટવાની ઘટના સમગ્ર વિસ્તાર માટે વિનાશકારી સાબિત થઈ શકે છે. તેવું ગ્રામજનો જણાવ્યું હતું.

 

ઓવરલોડ ડમ્પરોના ત્રાસથી નર્મદા કેનાલ ખતરાના મુખે,સાપકડા પાસે કેનાલમાં તિરાડો, હજારો વીઘા ખેતી પર સંકટના વાદળો

 

જાળવણીમાં બેદરકારીથી મોટી દુર્ઘટનાની આશંકા, ખેડૂતોમાં રોષ,માત્ર નોટિસોથી નહીં ચાલે કામ, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ

 

કેનાલ માર્ગ પર બેફામ માતેલા સાંઢની માફક દોડતા ડમ્પરો, તંત્રની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઉઠ્યા હતા, તંત્ર ઊંઘમાં, કેનાલ તૂટવાની ભીતિ વચ્ચે ગ્રામજનોમાં ફફડાટ

 

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.