


મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમે ભડિયાદ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટના મકાનમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે છુપાવી રાખેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની રેડ દરમિયાન બુટલેગર સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. પોલીસે મકાનમાંથી હજારો રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ, મોરબી સીટી બી ડીવીઝન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોરબી-૨ માં આવેલા ભડિયાદ રોડ પરની હરિઓમ સોસાયટીના માહિ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રેડ કરી હતી. અહીં રહેતા મહિપ ઉર્ફે ભુરો રવજીભાઇ વઘેલા નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં કોઈ પણ પાસ, પરમિટ કે આધાર વગર વેચાણ કરવાના ઈરાદે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખ્યો હતો. પોલીસે મકાનની તલાશી લેતા ત્યાંથી અલગ-અલગ બ્રાન્ડની અને અલગ-અલગ માપની કંપની સીલપેક વિદેશી દારૂની ૨૪ બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત રૂપિયા ૧૦,૫૫૭ થાય છે. પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલા આરોપી મહિપ વઘેલાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.