


મોરબીના નવાગામ નજીક આવેલી એક મોબાઈલની દુકાનમાં મની ટ્રાન્સફર કર્યા બાદ રોકડા રૂપિયા અને ટ્રાન્સફર ચાર્જ માંગવા પર એક શખ્સે ઉશ્કેરાઈ જઈને દુકાનદાર પર છરી વડે હુમલો કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ બિહારના અને હાલ મોરબીના વાવડી રોડ પર રહેતા ૨૪ વર્ષીય મુરારીકુમાર શર્માએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ લીલાપરથી નવાગામ જતા રોડ પર ગણેશ કોમ્પ્લેક્ષમાં ‘ક્રિષ્ના મોબાઈલ એન્ડ ફેશન’ નામની દુકાન ચલાવે છે. ગત તારીખ ૧૪ જુલાઈના રોજ બપોરના સમયે લખધીરનગરનો રહેવાસી વિશાલ બાબુભાઈ જોગડીયા નામનો શખ્સ તેમની દુકાને મની ટ્રાન્સફર કરાવવા આવ્યો હતો. મુરારીકુમારે તેના ખાતામાં રૂ. ૧૭,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ દુકાનદારે રોકડા રૂ. ૧૭,૦૦૦ અને ટ્રાન્સફર ચાર્જના રૂ. ૧૭૦ માંગતા આરોપી વિશાલ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પોતાના પેન્ટમાંથી છરી કાઢીને જાનથી મારી નાખવાના ઈરાદે દુકાનદાર મુરારીકુમારના ગળાના પાછળના ભાગે બે ઘા, વાંસામાં, પાંસળી નીચે, ડાબા હાથના કાંડે, ખભા અને માથાના ભાગે આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા. આ ગંભીર હુમલામાં ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે હુમલો કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. મોરબી તાલુકા પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી આરોપીને પકડવા માટેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.