વાંકાનેરમાં ફ્લેવરવાળો દેશી દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું: ૮૦,૨૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ

વાંકાનેરના ગાયત્રી રોડ પર આવેલી વૃંદાવન સોસાયટી પાસેના એક ફ્લેટમાં દેશી દારૂમાં કેમિકલ ફ્લેવર અને એસન્સ ભેળવી બોટલોમાં ભરીને વેચવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. આ દરોડા દરમિયાન એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલ રાજકોટનો અન્ય એક શખ્સ ફરાર થઈ જતાં તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

મળતી વિગતો અનુસાર, વાંકાનેર સીટી પોલીસ દ્વારા બાતમીના આધારે પાંચમાળીયા બિલ્ડિંગમાં આવેલી એક ઓફિસ અને ફ્લેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ત્યાં હાજર મૂળ વાંકાનેરના જીગ્નેશ હર્ષદભાઈ કારીયા નામના શખ્સને ઝડપી લેવાયો હતો. સ્થળ પર તપાસ કરતાં દેશી દારૂમાં ઓરેન્જ ફ્લેવરનું એસન્સ ભેળવીને વેચાણ કરવા માટે તૈયાર કરાયેલો ૭૫ લીટર ફ્લેવરવાળો દેશી દારૂ (કિંમત રૂ. ૧૫,૦૦૦) મળી આવ્યો હતો. આ ઉપરાંત, દારૂ પેકિંગ કરવા માટે રાખવામાં આવેલ ૬,૩૯૦ નંગ પ્લાસ્ટિકની ખાલી બોટલો તથા ઢાંકણા (કિંમત રૂ. ૬૩,૯૦૦), ઓરેન્જ ફ્લેવર એસન્સની ૫ બોટલો, પ્લાસ્ટિકનું મોટું ટબ તેમજ ઢાંકણાવાળી ૧૦ ડોલ સહિત કુલ રૂપિયા ૮૦,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, રાજકોટના બજરંગવાળી વિસ્તારમાં રહેતા સલીમ નામના શખ્સે આ જથ્થો પૂરો પાડ્યો હતો અને બંને ભેગા મળીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા. હાલમાં પકડાયેલા આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીને શોધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.