

વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર જૂની બોલાચાલીની અદાવત રાખી ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી હતી. બસ સ્ટેશન પાસે થયેલા આ હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, ત્યારબાદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


બનાવની વિગત એવી છે કે, ફરિયાદી રફીકભાઈ ઉમરભાઈ સદવાણીને થોડા દિવસો પહેલા આરોપી મેરુભાઈ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ વાતનું મનદુઃખ રાખી, જ્યારે રફીકભાઈ બસ સ્ટેશનના નાના ગેટ પાસે રોડ પર હતા ત્યારે જતીનભાઈ લાલજીભાઈ સારદીયા, મેરુભાઈ લાલજીભાઈ સારદીયા અને દીપકભાઈ ગીરધરભાઈ સારદીયાએ તેમને આંતર્યા હતા. આરોપી જતીને ફરિયાદીને માથાના ભાગે લાકડાનો ધોકો ફટકારી લોહીલુહાણ કર્યા હતા, જ્યારે આરોપી મેરુભાઈએ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ સાથે જ દીપકભાઈએ ‘જો આ બાબતે કેસ કરશો તો મારીશ’ તેવી ધમકી આપી હતી. જાહેરનામાના ભંગ અને મારપીટના આ મામલે વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.