માળીયા: હત્યાનાં ખારમાં ઘરમાં તોડફોડ કરી દોઢ લાખની ઘરવખરી સળગાવી: ૭ સામે ગુનો દાખલ


માળીયા મીયાણાના નવી નવલખી ગામે થોડા દિવસો અગાઉ થયેલી હત્યાનો ખાર રાખીને મૃતકના સગા-સંબંધીઓએ એકસંપ થઈને એક ઘર પર હુમલો કર્યો હતો. આરોપીઓએ હત્યાના ગુનામાં સંડોવાયેલા યુવકના ઘરે પ્રવેશ કરી, ઘરમાં રહેલી આશરે ૧,૫૦,૦૦૦ની કિંમતની ઘરવખરી બહાર કાઢીને સળગાવી દેતા માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં સાત શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
હાલ જામનગરના માધાપર ભુંગા વિસ્તારમાં રહેતા અને મૂળ માળીયા મીયાણાના નવી નવલખી ગામના વતની ૪૫ વર્ષીય બાનુબેન અભરામભાઇ સાઇચાએ ઇબ્રાહીમ હારૂનભાઇ સોતા, ઇશાક કરીમભાઇ પઠાણ, શકીનાબેન અબ્બાસભાઇ સોતા, સલમાબેન હશનભાઇ સોતા, ફરીદાબેન સુલતાનભાઇ સોતા, શેરબાનુ ઇમરાનભાઇ સોતા અને રીહાના ઇબ્રાહીમભાઇ સોતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, થોડા દિવસો અગાઉ માળીયામાં અબ્બાસ અબ્દુલભાઇ સોતાની હત્યા થઈ હતી, જેમાં ફરિયાદીનો દીકરો હુશેન સાઇચા પણ આરોપી તરીકે સંડોવાયેલો હોય, આ બાબતનું મનદુઃખ રાખીને મરણ જનાર અબ્બાસના સગા-સંબંધીઓ ઇબ્રાહીમ હારૂનભાઇ સોતા, ઇશાક કરીમભાઇ પઠાણ, શકીનાબેન સોતા, સલમાબેન સોતા, ફરીદાબેન સોતા, શેરબાનુ સોતા અને રીહાના સોતા બપોરે આશરે એક વાગ્યાના અરસામાં ફરિયાદીના નવી નવલખી સ્થિત મકાનમાં ઘૂસી ગયા હતા. આરોપીઓએ ઘરમાં ભારે તોડફોડ કરી, અંદર રાખેલો આશરે દોઢ લાખ રૂપિયાની કિંમતનો ઘરવખરીનો તમામ સામાન ઘરની બહાર ફેંકીને સળગાવી દીધો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તમામ સાત આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.