ખાનપરના યુવકને વ્યાજખોરોનો ત્રાસ: વધુ રકમ પચાવી પાડવા મારી નાખવાની ધમકી

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા એક યુવકે પોતાની જરૂરિયાત માટે બે વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે લીધેલા નાણાં સામે વ્યાજ સહિત મોટી રકમ ચૂકવી દીધી હોવા છતાં, વધુ નાણાં પડાવવા માટે પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતી હોવાનો મામલો સામે આવ્યો છે.

બનાવની વિગત મુજબ, ખાનપર ગામના પારસભાઇ રમેશભાઇ રૈયાણીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પરબત સવજીભાઇ રબારી અને નિકુંજ ઉર્ફે નીતીન વાસીયાંગભાઇ જારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં તેમણે કોયલી ગામના પરબતભાઇ પાસેથી રૂ. ૪,૦૦,૦૦૦ અને ટંકારાના ગજડી ગામના નિકુંજ ઉર્ફે નીતીન રૂ. ૧,૫૦,૦૦૦ માસિક ૩૦ ટકાના મસમોટા વ્યાજે લીધા હતા. આ નાણાંના બદલામાં આરોપીઓએ ગેરંટી તરીકે પારસભાઈના સહીવાળા કોરા બેંક ચેક અને હાથ ઉછીના રૂપિયા લીધા હોવાનું લખાણ કરાવી લીધું હતું. ત્યારબાદ પારસભાઈએ પરબતને વ્યાજ સહિત રૂ. ૮,૪૦,૦૦૦ અને નિકુંજને રૂ. ૧,૩૫,૦૦૦ ચૂકવી દીધા હોવા છતાં, બંને આરોપીઓએ મૂળ રકમ અને વ્યાજ પેટે વધુ નાણાં પડાવવા માટે ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત સિક્યોરિટી પેટે રાખેલા કોરા ચેક રિટર્ન કરાવી કોર્ટ કેસ કરવાની ધમકી આપી, નોટિસ મોકલી માનસિક ત્રાસ ગુજારતા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Leave A Reply

Your email address will not be published.