મોરબીના ખરેડામાં ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ ન મળતા વૃદ્ધ પર ધોકાથી હુમલો

મોરબીના ખરેડા ગામે ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ ન મળતા એક શખ્સે ૬૩ વર્ષીય વૃદ્ધ ખેડૂત પર લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે હુમલો કર્યો હતો. આ મામલે ભોગ બનનાર વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, મોરબીના આલાપપાર્ક-૦૨ માં રહેતા અને મૂળ ખરેડા ગામના વતની ૬૩ વર્ષીય ખોડીદાસભાઇ અણદાભાઇ થડોદાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મહેશ માવજીભાઇ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને ખરેડા ગામે આવેલા ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવા માટેનો સરકારી કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ કામકાજનું મનદુઃખ રાખીને ખરેડા ગામના આરોપી મહેશ ડાભી નામના શખ્સે ઘોડાધ્રોય ડેમના કાંઠે કાનજીભાઇ રેવાભાઇની જમીન પાસે ફરિયાદીને આંતર્યા હતા. આરોપીએ ત્યાં તેમને ગાળો આપી, ઢીકાપાટુનો માર માર્યો હતો અને પોતાના હાથમાં રહેલા લાકડાના ધોકા વડે હુમલો કરી ફરિયાદીના ડાબા હાથમાં મુંઢ અને છોલછાલ જેવી ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.