વાંકાનેર: એકાઉન્ટન્ટએ કંપની સાથે ૫૬.૫૯ લાખની છેતરપિંડી આચરી

થાન રોડ પર આવેલી જૈનકો રિફેક્ટરી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા શખ્સે કંપની સાથે વિશ્વાસઘાત કરી કુલ રૂ ૫૬,૫૯,૭૯૩ની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને નોંધાઈ છે. આરોપીએ કંપનીના ઓનલાઈન બેંકિંગ સિસ્ટમમાં અન્ય પાર્ટીઓના નામે પોતાના મળતિયાઓના બેંક એકાઉન્ટ નંબર એડ કરાવીને કંપનીના નાણાં સેરવી લીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

વિગતવાર માહિતી મુજબ, કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષથી એકાઉન્ટ વિભાગ સંભાળતા જૈનમ પરેશભાઈ શાહ નામના શખ્સે આ કૌભાંડ આચર્યું હતું. તેણે કંપનીના અન્ય કર્મચારીઓને વિશ્વાસમાં લઈને ‘રૂદ્રા રિફેક્ટરી’ અને ‘સન સાઈન માર્કેટિંગ’ જેવી વેપારી સંસ્થાઓના નામે ખોટા બેંક એકાઉન્ટ નંબર સિસ્ટમમાં એડ કરાવ્યા હતા. આ દ્વારા તેણે સેન્ટ્રલ બેંકના એકાઉન્ટ ૩૫૪૨૧૪૨૯૪૭માં રૂ ૪૩.૯૫ લાખ અને એસ.બી.આઈ.ના એકાઉન્ટ ૩૨૧૦૫૪૦૪૯૮૫માં રૂ ૧૩.૬૪ લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. ગત માર્ચ મહિનામાં જ્યારે જૈનમ અચાનક ઓફિસે આવતો બંધ થયો અને તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો, ત્યારે કંપનીના કર્મચારી હર્ષદભાઈ નિમાવતે બેંકિંગ એન્ટ્રીઓ તપાસતા આ સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. હાલમાં પોલીસે જૈનમ શાહ તથા બેંક ખાતાધારકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.