ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લો ૯૬.૨૩% સાથે રાજ્યમાં પાંચમાં ક્રમે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું વર્ષ ૨૦૨૬નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યનું સરેરાશ પરિણામ ૯૨.૭૧% નોંધાયું છે. આ વર્ષે પણ મોરબી જિલ્લાએ શાનદાર દેખાવ જાળવી રાખ્યો છે અને ૯૬.૨૩% પરિણામ સાથે પાંચમું સ્થાન મેળવ્યું છે. મોરબી જિલ્લામાં કુલ ૬૧૫૫ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી ૫૯૨૩ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે.

હળવદ કેન્દ્રનું ૧૨૬૨ વિદ્યાર્થીઓમાંથી ૧૨૧૮ પાસ થતા ૯૬.૫૧% પરિણામ, મોરબીમાં ૩૧૨૩ વિદ્યાર્થીઓમાંથી ૩૦૦૬ પાસ થતા ૯૬.૨૫% પરિણામ, વાંકાનેરમાં ૧૧૫૯ વિદ્યાર્થીઓમાંથી ૧૧૧૩ પાસ થતા ૯૬.૦૩% પરિણામ અને ટંકારાનું ૬૧૧ વિદ્યાર્થીઓમાંથી ૫૮૬ પાસ થતા ૯૫.૯૧% પરિણામ આવ્યું છે. અન્ય જિલ્લાઓના આંકડા જોઈએ તો, આહવા-ડાંગ જિલ્લો ૯૭.૮૮% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. જ્યારે અમદાવાદ (શહેર) ૮૭.૧૦% પરિણામ સાથે રાજ્યમાં સૌથી નીચું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. કેન્દ્રવાર પરિણામમાં બનાસકાંઠાનું તડાવ કેન્દ્ર અને બોટાદનું કોટડા કેન્દ્ર સહિત કેટલાક કેન્દ્રોએ ૧૦૦% પરિણામ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

આ વર્ષે A1 ગ્રેડ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, જેમાં રાજ્યના કુલ ૭૪૪૬ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જ્યારે ૩૮૪૬૦ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. મોરબીમાં A1 ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૧૬ છે જે ગયા વર્ષની ૧૯૧નાં પ્રમાણમાં વધુ છે. માધ્યમવાર જોતા, અંગ્રેજી માધ્યમનું પરિણામ ૯૪.૪૬% અને ગુજરાતી માધ્યમનું પરિણામ ૯૨.૬૩% રહ્યું છે. આ સાથે જ ૧૦૦% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ વધારો થઈને ૨૦૩૦ થઈ છે.

Leave A Reply

Your email address will not be published.