

હળવદ શહેરમાં એક ચોંકાવનારો અને ચિંતા જનક બનાવ સામે આવ્યો છે, જેમાં ખાનગી બેંકના નામે ઇન્સ્યોરન્સ પોલિસી વેચાણના બહાને નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. “ફ્રી ગિફ્ટ”ના લોભમાં લોકોને બોલાવી સુચિત રીતે આર્થિક જાળ પાથરવામાં આવ્યો હોવાનો સંકેત મળી રહ્યો છે.
માહિતી મુજબ, શહેરના અનેક વિસ્તારોમાં રહેતા લોકોને ફોન કોલ દ્વારા પ્રજાપતિ સમાજની વાડી ખાતે યોજાનારા ‘બેંક કાર્યક્રમ’માં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગિફ્ટ આપવાની લાલચ આપતા મોટી સંખ્યામાં લોકો શનિવારે સવારે સ્થળે પહોંચ્યા — પરંતુ ત્યાં જે બન્યું તે ચોંકાવનારું છે.
સ્થળ પર હાજર ખાનગી એજન્સી સાથે સંકળાયેલા એજન્ટોએ “આકર્ષક ઇન્સ્યોરન્સ પોલિસી”ના નામે લોકોને સમજાવી તેમના બેંક ખાતામાંથી રકમ કપાવી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, અનેક લોકો પાસેથી બે-બે કોરા ચેક લેવાયા હોવાના આક્ષેપોએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. ઘટનાની જાણ થતાં જ મામલો સીધો હળવદ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. પ્રભાવિત લોકોએ તાત્કાલિક રજૂઆત કરતાં એજન્સી સાથે સંકળાયેલા લોકોએ બચાવમાં દાવો કર્યો કે તમામ વ્યવહાર કાયદેસર છે, રૂપિયા બેંક મારફતે પરત મળશે અને પોલિસી પણ માન્ય છે. આ “ખાતરીઓ” બાદ હાલ મામલો થાળે પડ્યો હોવાનું કહેવાય છે — પરંતુ લોકોમાં ભય અને શંકા યથાવત છે.
નિષ્ણાતોનું માનવું છે કે સામાન્ય રીતે ઇન્સ્યોરન્સ પ્રક્રિયામાં એક કેન્સલ ચેક પૂરતો હોય છે, ત્યારે બે-બે કોરા ચેક લેવાની રીત સ્પષ્ટ રીતે શંકાસ્પદ છે અને મોટા ઠગાઈના સંકેતો આપે છે. સરકાર અને આરબીઆઈ દ્વારા સતત જાગૃતિ છતાં આવી ઘટનાઓ ફરી રહી છે, જે ચિંતાનો વિષય છે. સ્થાનિક સ્તરે લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે —
“લાલચમાં ના આવો, અજાણ્યા કોલ પર વિશ્વાસ ના કરો”
“બેંકિંગ અથવા ઇન્સ્યોરન્સ માટે સીધો સત્તાવાર શાખાનો જ સંપર્ક કરો”
જાગૃત નાગરિકની સતર્કતાથી મોટો ફ્રોડ અટક્યો
હળવદમાં ઇન્સ્યોરન્સના નામે ચાલી રહેલા શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે જાગૃત નાગરિક યોગીરાજસિંહ જાડેજા ને જાણ થતાં પ્રજાપતિ વાડી ખાતે પહોંચી સમગ્ર પ્રાથમિક માહિતી મેળવી તેમને આ સમગ્ર પ્રવૃત્તિ ફ્રોડ હોવાની શંકા સ્પષ્ટ થતાં વિલંબ કર્યા વિના તેમણે ઇમર્જન્સી સેવા 112 પર જાણ કરી હતી. તેમની સમયસરની સતર્કતા કારણે મોટુ ફ્રોડ થતાં અટક્યું હતુ,
મયુર રાવલ હળવદ


