ટંકારાના ગજડીમાં જમીન વાવવા બાબતે ત્રણ શખ્સોએ મહિલાને માર માર્યો

ટંકારાના ગજડી ગામે ખેતીની જમીન વાવવા જેવી સામાન્ય બાબતનો ખાર રાખી એક આધેડ મહિલા પર પડોશીઓએ હુમલો કર્યો હતો. ભાઈએ બહેનને જમીન ખેડવા માટે આપી હોવાની બાબત આરોપીઓને ન ગમતા, ઉશ્કેરાયેલા દંપતી સહિત ત્રણ શખ્સોએ મહિલાને લાકડી અને ઢીકાપાટુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બનાવની વિગતો મુજબ, ગજડી ગામે રહેતા ૫૮ વર્ષીય દેવદેબેન ભુરાભાઇ સવસેટાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દેવદેબેનને તેમના ભાઈએ વાવવા માટે જમીન આપી હતી, જે વાતનો ખાર પાડોશમાં રહેતા કાનાભાઇ હીરાભાઇ જારીયા અને તેમના પરિવારને હતો. સાંજે જ્યારે ફરિયાદી આરોપીના વાડા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આરોપી કાનાભાઇએ ગાળો આપી લાકડી વડે હુમલો કરી પગના ભાગે ઇજા પહોંચાડી હતી. આ સાથે જ શોભનાબેન કાનાભાઇ જારીયા અને જયશ્રીબેન ભુપતભાઇ જારીયાએ પણ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી શરીરે મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટંકારા પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.