મોરબી જિલ્લામાં આપઘાત અને અકસ્માતની ત્રણ ઘટનાઓ: બે યુવાનો અને એક યુવતીના મોત

મોરબી જિલ્લાના અલગ-અલગ ત્રણ વિસ્તારમાં આપઘાત અને અકસ્માતના ત્રણ બનાવો સામે આવ્યા છે. મોરબી તાલુકાના રાજપર ગામે માનસિક બીમારીના કારણે કૂવામાં ખાબકતાં એક શ્રમિક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે વાંકાનેર પાસે કારખાનાની બહાર ઝેરી દવા પી લેતાં ઉત્તર પ્રદેશના યુવાને દમ તોડ્યો છે. આ ઉપરાંત, હળવદના ગોલાસણ ગામે એક ૨૯ વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે.

પ્રથમ બનાવની વિગત મુજબ, મૂળ દાહોદ વતની અને હાલ મોરબીના રાજપર (કુંતાસી) ગામે રહેતા અનીલભાઇ રમેશભાઇ કામોળ (ઉં.વ.૨૭) નામના યુવક માનસિક રીતે બીમાર હતા. સવારના સમયે તેઓ અચાનક પોતાના ઘરેથી નીકળીને સીમ તરફ ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન રાજપર ગામની સીમમાં આવેલી અરવીંદભાઇ નરશીભાઇ મેંદપરાની વાડીના કૂવામાં તેઓ પડી ગયા હતા, જ્યાં કૂવાના પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું.

બીજા બનાવમાં, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ વાંકાનેર તાલુકાના મેસરીયા ઓપી વિસ્તારમાં આવેલા ગોકુલ નમકીન કારખાનાના ક્વાર્ટર્સમાં રહેતા વિકાસકુમાર સુરેશકુમાર (ઉં.વ.૨૦) નામના યુવકે કારખાનાની બહાર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવકને ગંભીર હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.

ત્રીજા બનાવમાં, હળવદના ગોલાસણ ગામે રહેતી હિનાબેન દિલીપભાઇ મહેડું (ઉં.વ.૨૯), એ કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે મૃતકના પિતાએ હળવદ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે યુવતીના આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.