SSNLની મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા શાખા નહેરની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનો આપ્યા

પાઈપ કલવર્ટ, વોંકળા સફાઈ અને ગેરકાયદેસર દબાણો દૂર કરવા મુદ્દે કલેક્ટરએ સ્થળ પર સમીક્ષાત્મક માર્ગદર્શન આપ્યું

 

મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ અને નાગરિકોને પીવાના પાણીનો સુચારુ પુરવઠો મળી રહે તેમજ ચોમાસા દરમિયાન પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા SSNL ની વિવિધ શાખા નહેરની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરએ SSNL ની માળિયા શાખા નહેર, ધ્રાંગધ્રા શાખા નહેર અને મોરબી શાખા નહેર વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. માળિયા શાખા નહેરની મુલાકાત લેતા ફતેપર પાસે ઉપરવાસમાંથી ખેતરોમાં ભરાતાં પાણીના ઝડપી નિકાલ અર્થે પાઈપ સ્ટ્રક્ચર મૂકવા તેમજ ખીરઈ GWIL ને પાણી પૂરું પાડતા હેડ રેગ્યુલેટરનું ત્વરિત રિપેરિંગ કરવા સુચના આપી હતી.

ધ્રાંગધ્રા શાખા નહેરની મુલાકાત લઈ ધ્રાંગધ્રા શાખા નહેરની સાંકળ ૧૨૪.૯૮૩ પર પાઈપ/બોક્સ કલવર્ટ સત્વરે બનાવવાની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સિંચાઈ વિભાગ (પંચાયત) સાથે સંકલન સાધી જુના સાદુડકા અને રવાપર (નદી) વચ્ચે નહેરની ટેઇલ પર આવેલ વોંકળાની સફાઈ કરાવવા તથા નહેર વિસ્તારમાં થયેલાં ગેરકાયદેસર દબાણો હટાવવા તેમજ ખાનગી તળાવો બંધ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

મોરબી શાખા નહેરની મુલાકાત દરમિયાન થોડા સમય પહેલા નહેરમાં પડેલા ગાબડાના સ્થળે ચાલી રહેલી સમારકામની કામગીરીનું કલેક્ટરએ પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી ગુણવત્તાસભર તથા સમયસર પૂર્ણ થાય તે અર્થે જરૂરી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

Leave A Reply

Your email address will not be published.