માળિયા-કંડલા હાઇવે પર ખાનગી બસ ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ: બે મુસાફરોને ગંભીર ઈજા, ચાલક સામે ગુનો દાખલ

કંડલા-મોરબી નેશનલ હાઇવે પર સુરજબારી પુલ નજીક દેવ સોલ્ટ સામે એક ખાનગી લક્ઝરી બસના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી હાઇવે પર ઉભેલા ટ્રક પાછળ બસ ભટકાડી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જેમાં એક યુવાનને જડબા અને નાકના ભાગે મલ્ટીપલ ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થતા માળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વિગતો મુજબ, રાત્રિના દસેક વાગ્યાના સુમારે હાઇવે પર બંધ હાલતમાં પડેલા ટ્રક નં. GJ-37T-1545 ની પાછળ ટ્રાવેલ્સની બસ નં. GJ-03-AW-9980 ના ચાલકે પોતાની બસ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ભટકાડી દીધી હતી. અકસ્માત સમયે ટ્રકની આસપાસ રીફલેક્ટર અને આડસ મુકેલી હોવા છતાં બસ ચાલકે તે જોયા વગર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર ફરિયાદી નીરજભાઈ હદવાણીના નાના ભાઈને આંખ, નાક અને જડબાના ભાગે ગંભીર ફ્રેક્ચર થયા હતા, જ્યારે અન્ય એક મુસાફર હરવીજયસિંહ ગોહીલને પણ આંખ અને વાસાના ભાગે ઈજાઓ પહોંચી હતી. માળિયા પોલીસે આ મામલે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.