

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર સુરક્ષાના હેતુથી બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરનાર તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. જે અંતર્ગત મોરબીના ધુટુ ગામની સીમમાં આવેલી પાર્થ હોટલના મેનેજર સામે એસ.ઓ.જી. ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોટલમાં આવતા મુસાફરોની વિગતો ઓનલાઇન પોર્ટલ પર અપડેટ ન કરવા બદલ આ પગલું લેવામાં આવ્યું છે.


બનાવની વિગતો મુજબ, મોરબી પોલીસની ટીમ જ્યારે હળવદ હાઇવે પર તપાસમાં હતી, ત્યારે ધુટુ ગામની સીમમાં આવેલી ‘પાર્થ હોટલ’માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે હોટલના મેનેજર સુરવિરસિંહ નરેન્દ્રનાથ ચૌહાણે હોટલમાં રોકાયેલા મુસાફરોની એન્ટ્રી રજીસ્ટરમાં તો કરી હતી, પરંતુ સરકારી નિયમ મુજબ ‘પથિક સોફ્ટવેર’માં તેની નોંધ કરી ન હતી. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હોટલ અને ગેસ્ટ હાઉસમાં રોકાતા મુસાફરોની વિગતો ઓનલાઇન નોંધવા અંગેના જાહેરનામાનો અમલ હોવા છતાં તેનો ઉલ્લંઘન થતું જણાતા, પોલીસે મેનેજર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.