

મોરબીના શનાળા રોડ પર ‘મોમ્સ’ હોટલ ચલાવતા અશ્વિનભાઈ બોપલીયાએ વ્યાજખોરોના અસહ્ય માનસિક ત્રાસ અને પઠાણી ઉઘરાણીથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો, જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી નિરવભાઇ બોપલીયા અને તેમના પિતા અશ્વીનભાઇએ ધંધા માટે ઈમરાન માડકીયા, અજય ભટ્ટ, ગીરીરાજસિંહ ગોહીલ, ભરત રબારી, અજીત રાઠોડ, વિપુલ રાઠોડ અને કિશન રબારી પાસેથી ૪ થી ૩૦%ના ઉંચા વ્યાજે નાણાં લીધા હતા. આ દેવું ભરવા પરિવારે ૧૧ વીઘા જમીન અને દાગીના વેચી ૭૫.૪૦ લાખ જેટલું વ્યાજ ચૂકવ્યું હોવા છતાં આરોપીઓ મકાનના દસ્તાવેજ, કોરા ચેક અને કિંમતી મોબાઈલ પડાવી પઠાણી ઉઘરાણી કરતા હતા. અશ્વિનભાઈની આત્મહત્યાના આગલા દિવસે આરોપીઓએ પૈસા તૈયાર રાખવા ધમકી આપતા અશ્વિનભાઈએ ત્રાસથી કંટાળી બાથરૂમમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ કેસમાં મોરબી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓ કિશનભાઇ મનુભાઇ રાઠોડ (મકનસર), લાલજીભાઇ ઉર્ફે ભરતભાઇ અણંદાભાઇ રાઠોડ (થોરાળા) અને રાજકોટના ગીરીરાજસિંહ પ્રધ્યુમનસિંહ ગોહીલને પકડી લીધા છે. ફરિયાદી નિરવભાઈએ નોંધાવેલી ફરિયાદમાં અન્ય ચાર આરોપીઓના પણ નામ છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


