મોરબી જિલ્લામાં જુગારધામો પર પોલીસ ત્રાટકી: ૪ સ્થળોએથી ૧૭ શખસો ઝડપાયા, ૩.૮૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

મોરબી જિલ્લામાં શ્રાવણ માસ નિમિત્તે ધમધમતા જુગારધામો પર પોલીસે લાલઆંખ કરીને સપાટો બોલાવ્યો છે. એલસીબી, મોરબી સીટી બી ડીવિઝન, હળવદ અને માળીયા મિયાણા પોલીસે અલગ-અલગ ચાર સ્થળોએ દરોડા પાડીને કુલ ૩૪ શખસોને ગંજીપત્તાના પાના, રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૩,૮૭,૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના શનાળા રોડ પર સ્કાયમોલની બાજુમાં આવેલ વિરાટ-૨ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલી ઓફિસમાં ચાલી રહેલા જુગારધામ પર એલસીબી પોલીસે દરોડો પાડી ૮ શકુનીઓને ઝડપી પાડ્યા છે. ઓફિસ ધારક સુપ્રિત ત્રિભુવનભાઇ સવસાણીએ બહારથી અન્ય સાત ઈસમોને બોલાવી પોતાની ઓફિસમાં નાલ ઉઘરાવી તીન પત્તીનો જુગાર રમાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન સુપ્રિત સવસાણી ઉપરાંત નિસીત ધર્મેન્દ્રભાઇ રાજપરા, અક્ષય જયંતીભાઇ વડસોલા, ભાવેશ રમેશભાઇ અગોલા, હાર્દીક કાંતીભાઇ સંઘાણી, યસ રમેશભાઇ કાંજીયા, સંદીપ દિનેશભાઇ લોરીયા અને કપીલ નરસીભાઇ ધુમલીયાને પકડી પાડી સ્થળ પરથી રોકડા રૂ. ૨,૭૦,૫૦૦, ૮ નંગ મોબાઈલ (કિંમત રૂ. ૭૫,૦૦૦) અને ગંજીપત્તા મળી કુલ રૂ. ૩,૪૫,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી-૨ હળવદ રોડ પર આવેલ સિરામિક એમ્પાયર કોમ્પ્લેક્ષની દુકાન નંબર ૩૦૫ માં ચાલી રહેલા જુગારધામ પર મોરબી સીટી બી ડીવિઝન પોલીસે દરોડો પાડી ૩ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા છે. દુકાન ધારક કેવલભાઇ ધર્મેન્દ્ર કાલરીયાએ પોતાના કબજા ભોગવટા વાળી દુકાનમાં બહારથી અન્ય બે ઈસમોને બોલાવી ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીન પત્તીનો જુગાર રમાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન દુકાન માલિક કેવલ કાલરીયા ઉપરાંત મેહુલ ધનસુખભાઇ વામજા અને સુધીર હર્ષદભાઇ બાવરવાને પકડી પાડી સ્થળ પરથી રોકડા રૂ. ૨૫,૧૦૦ અને ગંજીપત્તાના પાના કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદના ભવાનીનગર ઢોરે લક્ષ્મીપાન સેન્ટર વાળી શેરીમાં જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો રોન પોલીસનો જુગાર રમી રહેલા ૩ જુગારીઓને હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન પોલીસે ચંદુભાઇ વિઠ્ઠલભાઇ વિકાણી, રમેશભાઇ બચુભાઇ સોલંકી અને રમેશભાઇ જાદવજીભાઇ ખાંભડીયાને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ. ૧૦,૨૦૦ તથા ગંજીપત્તાના પાના કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મિયાણાના જુના ઘાટીલા ગામે શક્તિ પ્લોટ કોળી વાસમાં જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો રોન પોલીસનો જુગાર રમી રહેલા ૩ શખસોને માળીયા મિયાણા પોલીસે ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન પોલીસે રણછોડભાઇ પરસોતમભાઇ સનુરા, બીજલભાઇ કાનજીભાઇ સુરાણી અને મુકેશભાઇ નવીનભાઇ ઠાકરને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ. ૬,૪૦૦ તથા ગંજીપત્તાના પાના કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave A Reply

Your email address will not be published.