રામજીદાદાની નિશાળ પ્રોજેક્ટથી તક્ષશિલા સંકુલનો વિજ્ઞાન મેળામાં દબદબો

તાલુકા કક્ષાના વિજ્ઞાન-ગણિત મેળામાં તક્ષશિલા વિદ્યાપીઠની 10 કૃતિઓમાંથી 6 કૃતિઓએ મેળવ્યું પ્રથમ સ્થાન

 

 

 

પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક પ્રતિભાનો પરિચય; માર્ગદર્શક શિક્ષકોની મહેનત અને સર્જનાત્મક અભિગમ રંગ લાવ્યાં

 

હળવદ: જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરની પ્રેરણા હેઠળ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આયોજિત શ્રી સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલના તાલુકા કક્ષાના વિજ્ઞાન-ગણિત મેળામાં હળવદની તક્ષશિલા વિદ્યાપીઠે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. વિવિધ વૈજ્ઞાનિક અને ગણિતીય સંકલ્પનાઓ પર આધારિત વિદ્યાર્થીઓની કૃતિઓમાંથી કુલ 10 પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 6 કૃતિઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં સંકુલની શૈક્ષણિક સિદ્ધિમાં વધારો કર્યો છે.

 

વિદ્યાર્થીઓએ ગણિતીય તર્કશક્તિ, વૈજ્ઞાનિક અભિગમ, ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતો, આપત્તિ વ્યવસ્થાપન, આરોગ્ય અને અગ્નિસુરક્ષા જેવા મહત્ત્વપૂર્ણ વિષયોને પ્રાયોગિક મોડેલના માધ્યમથી રજૂ કર્યા હતા. આ સિદ્ધિ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને માર્ગદર્શક શિક્ષકોના સઘન પ્રયત્નોનું પરિણામ છે.

પ્રાથમિક વિભાગની ત્રણ કૃતિઓ પ્રથમ ક્રમે

 

પ્રાથમિક વિભાગમાં તક્ષશિલા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ત્રણેય રજૂ કરેલી કૃતિઓમાં પ્રથમ સ્થાન મેળવી શાળાની સફળતામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

– *વિભાગ-1 : ગણિત ગમ્મત કૃતિ* — તત્ત્વ અલ્પેશભાઈ સિંણોજિયા ,કણઝરીયા  યશ અશોકભાઈ.

– *વિભાગ-2 : સોલાર વિન્ડ અને હાઈડ્રો પાવર મોડેલ* — આધ્યા દીપકભાઈ બાપોદરિયા,હેતલ સતીશભાઈ ડાભી.

– *વિભાગ-5 : અર્થક્વેક એલાર્મ સિસ્ટમ* — ડેનિશ રમેશભાઈ માલકિયા, માધવ પ્રભાતભાઈ ડાંગર.

 

આ કૃતિઓમાં ગણિતીય સમજ, સૌર-પવન તથા જળઊર્જા જેવા વૈકલ્પિક ઊર્જાસ્રોતો અને ભૂકંપની સંભવિત પરિસ્થિતિમાં ચેતવણી આપતી વ્યવસ્થાની ઉપયોગિતા પ્રદર્શિત કરવામાં આવી હતી.

માધ્યમિક વિભાગમાં પણ ત્રણ કૃતિઓએ મેળવ્યું પ્રથમ સ્થાન…

માધ્યમિક વિભાગમાં પણ તક્ષશિલા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ આરોગ્ય, કૃષિ અને સુરક્ષા સંબંધિત નવીન વિચારો રજૂ કરીને ત્રણેય કૃતિઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

 

– *વિભાગ-3 : આયુર્વેદ ઇન ઇમરજન્સી* — ત્વીશા ગણેશભાઈ હડિયલ,યશ્મી મનોજભાઈ સિંણોજિયા.

– *વિભાગ-4 : સોલાર સાંતી અને ઓરણી* — યુગ ઘનશ્યામભાઈ એરવાડિયા,દિવ્યમ મહેશભાઈ ઠાકર.

– *વિભાગ-5 : ફાયર એલર્ટ એન્ડ સેફ્ટી* — મોહન હરેશભાઈ બાબરીયા, પાર્થ ભરતભાઈ મકવાણા.

 

આ કૃતિઓ દ્વારા આરોગ્યલક્ષી કટોકટીમાં આયુર્વેદની સંભવિત ભૂમિકા, સૌરઊર્જા આધારિત કૃષિ સાધનો તથા આગની ઘટનામાં સમયસર ચેતવણી અને સુરક્ષાનાં ઉપાય જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાની સમજ રજૂ કરી હતી.

 

‘રામજીદાદાની નિશાળ’ પ્રોજેક્ટના માર્ગદર્શનથી સફળતા

 

વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ ભૂતપૂર્વ કેળવણી નિરીક્ષકશ્રી રામજીભાઈ જાકાસણિયા સહિત માર્ગદર્શક શિક્ષકો અને સહયોગીઓના માર્ગદર્શન તથા પરિશ્રમનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. કૃતિઓના આયોજન, સંકલ્પનાની સમજ, મોડેલની રચના અને તેની રજૂઆત માટે જયદીપભાઈ મેસવાણિયા, વાસુદેવભાઈ ગોંડલિયા, પાર્થભાઈ પટેલ, વિપુલભાઈ રાઠોડ, ભરતભાઈ જગોદણા, મોહિતભાઈ વઢેલ, જયદીપભાઈ પટેલ અને ઝિંકલબેન એરવાડિયાએ જહેમત ઉઠાવી હતી.

 

‘રામજીદાદાની નિશાળ’ પ્રોજેક્ટના માધ્યમથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, પ્રયોગાત્મક શિક્ષણ અને નવીન વિચારસરણી વિકસાવવાના પ્રયાસોને આ સફળતાથી પ્રોત્સાહન મળ્યું છે.

શાળા સંચાલન દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન

વિજ્ઞાન-ગણિત મેળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને પેડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તક્ષશિલા સંકુલના મેનેજિંગ ડિરેક્ટર મહેશભાઈ પટેલ, સંચાલક રમેશભાઈ કૈલા અને પ્રિન્સિપાલ એ.ડી. સોલંકીએ તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમની સિદ્ધિને બિરદાવી હતી.

 

વિજ્ઞાન-ગણિત મેળામાં મળેલી આ સફળતા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના જ્ઞાનની સાથે પ્રયોગાત્મક સમજ, વૈજ્ઞાનિક વિચારધારા અને સમાજોપયોગી સંશોધન તરફ પ્રેરિત કરનારી બની છે. તક્ષશિલા વિદ્યાપીઠની આ સિદ્ધિ હળવદના શૈક્ષણિક ક્ષેત્ર માટે ગૌરવરૂપ બની છે.

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.