



હળવદ ટ્રાફિક સમસ્યા માથાના દુખાવામાં સમાન: શહેર ખોદકામમાં ગરકાવ, પ્રજા પરેશાન કોન્ટ્રાક્ટરની અણઆવડત અને તંત્રની બેદરકારીથી હળવદવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા.
હળવદ શહેરમાં હાલ ઠેકઠેકાણે સર્જાતી ટ્રાફિક સમસ્યાએ શહેરીજનોનું જીવવું દુષ્કર બનાવી દીધું છે. શહેરના મુખ્ય માર્ગો પર ચાલી રહેલા બિનઆયોજિત ખોદકામ અને કોન્ટ્રાક્ટરની અણઆવડતના કારણે રોજબરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.
હળવદ શહેરના બસ સ્ટેશન રોડ,નગરપાલિકા કચેરી નજીક, એચડીએફસી બેન્ક રોડ, સરા નાકા, ગંગા તલાવડી સહિતના વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો લાગી રહી છે. રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા હોવા છતાં યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ન ગોઠવાતા સામાન્ય જનતા ભારે હાલાકી ભોગવી રહી છે.એક તરફ રસ્તાઓ ખોદાયેલા અને બીજી તરફ આડેધડ વાહન પાર્કિંગના કારણે ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બની રહી છે. વેપારીઓનો ધંધો પ્રભાવિત થઈ રહ્યો છે જ્યારે શાળાકીય વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને રોજિંદા મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
શહેરમાં વધી રહેલી સમસ્યાઓ સામે કહેવાતા અમુક નેતાઓ માત્ર સોશિયલ મીડિયામાં રીલ બનાવી સસ્તી વાહવાહી લૂંટવામાં વ્યસ્ત હોવાનું કહી શહેરીજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોનો આક્ષેપ છે કે પ્રજાની વાસ્તવિક સમસ્યાઓ પ્રત્યે તંત્ર અને નેતાઓ બંને આંખ આડા કાન કરી રહ્યા છે.જાગૃત નાગરિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે અને પાર્કિંગ તથા ટ્રાફિક વ્યવસ્થા નું નિરાકરણ નહીં લાવવા આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી જાગૃત નાગરિક દ્વારા ચિમકી ઉચ્ચારી હતી.
મયુર રાવલ હળવદ