મોરબી ફાયરિંગ કેસમાં સામા પક્ષે થારથી ટક્કર મારી ફાયરિંગ કર્યાની વળતી ફરિયાદ નોંધાવી

મોરબી-માળિયા હાઈવે પર બાલજી હોટલ પાસે જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે સામસામે બંદૂકો તણાતા ચકચાર મચી ગઈ હતી. શાહરૂખ પઠાણે સાજીદ જેડા અને નુરમામદ જેડા સહિતના શખ્સો સામે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ગળા અને પેટના ભાગે ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ હિંસક અથડામણ બાદ હવે સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે તપાસનો ધમધામ શરૂ કર્યો છે.
નુરમહમદ સાઉદીન જેડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, પંદર-વીસ દિવસ પહેલા થયેલા ઝઘડાનું મનદુખ રાખી શાહરૂખ ફિરોજભાઈ પઠાણ, આમદ કાસમ કટીયા, વિરૂ હિતેષભાઈ રાઠોડ અને સલીમ ફિરોજભાઈ પઠાણ અને અલીભાઇ કાસમભાઇ કટીયા સહિતના શખ્સોએ એકસંપ થઈ જીવલેણ હુમલો કર્યો હતો. ફરિયાદીના પક્ષના લોકો જ્યારે પોતાની સ્કોર્પિયો ગાડીમાં બેઠા હતા, ત્યારે શાહરૂખ પઠાણે બંદૂક વડે સીધું જ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળી ગાડીના ભાગે વાગતા અંદર બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો હતો.
ફરિયાદમાં વધુમાં એવું પણ જણાવાયું છે કે, ફાયરિંગ બાદ આરોપી વિરૂ રાઠોડે તેની લાલ કલરની થાર કાર વડે નુરમહમદની કાળા કલરની સ્કોર્પિયોને પાછળથી જોરદાર ટક્કર મારીને પલટાવી દેવાનો અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલા દરમિયાન અન્ય આરોપીઓએ પણ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. હાલ પોલીસે નુરમહમદની ફરિયાદના આધારે શાહરૂખ ફિરોજભાઈ પઠાણ, આમદ કાસમ કટીયા, વિરૂ હિતેષભાઈ રાઠોડ અને સલીમ ફિરોજભાઈ પઠાણ અને અલીભાઇ કાસમભાઇ કટીયા અને અન્ય અજાણ્યા શખ્સો સામે હત્યાની કોશિશ સહિતનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.