મોરબીમાં રવિરાજ ચોકડી પાસે રીક્ષામાંથી ૨.૮૩ લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબી-માળિયા નેશનલ હાઈવે પર રવિરાજ ચોકડી પાસે ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને એક માલવાહક રીક્ષામાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી ૨૪૪૮ બોટલ દારૂ, રીક્ષા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૫,૮૮,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાંચની પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. બાતમી હતી કે માળિયા તરફથી મોરબી તરફ આવી રહેલી એક લીલા રંગની બજાજ મેક્સીમા માલવાહક રીક્ષા (નંબર GJ-03-BX-3237) માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો છે. આ હકીકતના આધારે પોલીસે હાઈવે પર રવિરાજ ચોકડી પાસે આવેલા ક્રિસ્ટલ કોલ નજીક સર્વિસ રોડ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન શંકાસ્પદ રીક્ષા નીકળતા તેને રોકીને તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને વ્હીસ્કીની પ્લાસ્ટિક તેમજ કાંચની કુલ ૨૪૪૮ બોટલો (કિંમત રૂ. ૨,૮૩,૨૦૦) મળી આવી હતી. પોલીસે સમીરશા ઉર્ફે ટોની યાકુબશા શાહમદાર નામના આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં અન્ય બે શખ્સો અવેશ પીલુડીયા અને સલીમ જુસબભાઈ કટીયાના નામ ખૂલતા તેમને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે દારૂ, રૂ. ૩ લાખની કિંમતની રીક્ષા અને એક મોબાઈલ ફોન મળીને કુલ રૂ. ૫.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.

Leave A Reply

Your email address will not be published.