

મોરબીના પંચાસર રોડ પર આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન હારજીતનો જુગાર રમી અને રમાડતા એક શખ્સને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા, બે મોબાઈલ ફોન અને એક ટાટા નેક્સોન કાર સહિત કુલ રૂ. ૩,૫૬,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય ચાર શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી પંચાસર રોડ પર ગીતા મિલની સામે પોલીસે રેડ પાડી હતી. જ્યાં આરોપી વિશાલ હસમુખભાઇ ગાંભવા (રહે. રાજનગર-૩, પંચાસર રોડ) આઇ.પી.એલ. ટી-20 ક્રિકેટ મેચમાં હૈદરાબાદ અને ચેન્નાઈ વચ્ચેની મેચ પર ફોન દ્વારા રનફેર અને હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે તે અન્ય આરોપી રાહુલ ઉર્ફે મુનાભાઈ વીડજા (રહે. મોરબી-૨) ના કહેવાથી સાવરકુંડલા અને જેતપુરના બુકીઓ શિવ, જય ઉર્ફે જય ભોલેનાથ તેમજ કાળભૈરવ ઉર્ફે ભાણા સાથે ફોન પર મેળાપીપણું કરીને આ જુગાર રમાડતો હતો. પોલીસે વિશાલ પટેલની ધરપકડ કરી તેની પાસેથી રોકડા રૂ. ૬૦૦, રૂપિયા ૫૦,૦૦૦ ની કિંમતના ૨ મોબાઈલ ફોન, એક ટાટા નેક્સોન કાર નંબર GJ-36-R-5242, કિંમત રૂ. ૩,૦૦,૦૦૦ કબજે કર્યા છે. આ મામલે પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી, ફરાર થઈ ગયેલા અન્ય ચાર આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.