


મોરબી મહાનગરપાલિકા તંત્રની કામગીરી નામ બડે ઔર દર્શન છોટે જેવી માલૂમ પડી રહી છે સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિક ઝુંબેશ સહિતની કામગીરી અને ઢોર પકડવાની કામગીરીના મોટા દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ આ તમામ કામગીરી ઓછી અધુરી હોય તેવી નાગરિકોમાં ચર્ચા જોવા મળી રહી છે ઢોર પકડવાની ઝુંબેશ છતાં રસ્તા પર રખડતા ઢોર આજે પણ નજરે પડે છે તો તાજેતરમાં મહાપાલિકા ટીમે તમામ ૧૩ વોર્ડમાં પ્લાસ્ટિક અંગે ખાસ ઝુંબેશ ચલાવી હતી પરંતુ આખા શહેરમાંથી તંત્રને માત્ર ૬૫ કિલો પ્લાસ્ટિક જથ્થો મળી આવ્યો હતો
મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા ૨૦૨૬ અંતર્ગત સ્વચ્છતા માર્શલ દ્વારા શહેરના ૧ થી ૧૩ વોર્ડમાં પ્લાસ્ટિક પ્રતિબંધનું કડક અમલીકરણ કરવા માટે ખાસ ઝુંબેશ યોજાઈ હતી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWIM) શાખા હેઠળ કાર્યરત સ્વચ્છતા માર્શલોની ટીમ દ્વારા શહેરના તમામ ૧ થી ૧૩ વોર્ડ વિસ્તારમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક (SUP) વિરુદ્ધ સઘન સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ વિશેષ ડ્રાઈવ દરમિયાન સ્વચ્છતા માશુલો દ્વારા શહેરના મુખ્ય માર્ગો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાકભાજી માર્કેટ, હોટલ-રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારીઓ, પાન-ગલ્લા તેમજ વિવિધ વ્યાપારી એકમોમાં ઓચિંતું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન પર્યાવરણ માટે અત્યંત ઘાતક એવા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની પાતળી થેલીઓ, ઝભલા, ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક કટલરી સહિત આશરે ૬૫ કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યો હતો.
સમગ્ર દિવસ દરમિયાન ચાલેલી સિંગલ યુઝ પ્લાસ્ટિક ડ્રાઈવ અંતર્ગત તમામ વોર્ડમાંથી કુલ ૬૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની સાથે નિયમભંગ કરનારા વિવિધ એકમો અને આસામીઓ પાસેથી કુલ રૂ. ૫૩,૬૦૪/- ની પેનલ્ટી (દંડ) સ્થળ પર જ વસૂલ કરી મહાનગરપાલિકામાં જમા લેવામાં આવી હતી. મોરબી શહેરમાં સમયાન્તરે પ્લાસ્ટિક ઝુંબેશ છતાં વેપારીઓ ખુલ્લેઆમ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય છે અને આખા શહેરમાંથી માત્ર ૬૫ કિલો પ્લાસ્ટિક જપ્ત થયું તે કામગીરી ઓછી અધુરી માલૂમ પડી રહી છે નાના વેપારીઓની દુકાનોમાં ચેકિંગ કરી દંડ ફટકારાય છે પરંતુ મોટા વેપારીઓ સામે કાર્યવાહી થતી નથી તેવો કચવાટ પણ નાગરિકોમાં જોવા મળી રહ્યો છે



