

મોરબી શહેરમાં ઠેર ઠેર ગણપતિ મહોત્સવના આયોજન કરવામાં આવી રહ્યા છે જેમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સિદ્ધિ વિનાયક કા રાજા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ગણેશ મંડપ સર્વિસવાળા અરવિંદભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ સતત નવમાં વર્ષે સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન રામોજી ફાર્મ ખાતે કરવામાં આવ્યું છે. ૧૭ વીઘા વિશાળ જગ્યામાં ૧૭ ફૂટ ઉંચી ગણેશ ભગવાનની મહાકાય મૂર્તિ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે તો દર વર્ષની જેમ મંડપ ડેકોરેશન સાથે ચાલુ વર્ષે રજવાડી થીમ સાથે સાજ સજાવટ કરવામાં આવી છે. ૧૦ દિવસ સુધી સતત ૧૫૦ સ્વયંસેવકોની ટીમ ખડેપગે સેવા આપશે તો આજે સાંજે મહાઆરતી સાથે મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ૧૦ દિવસ સુધી શહેરમાં ઉત્સવનો માહોલ સર્જાશે જેમાં અનેક સ્થળે ગણપતિ મહોત્સવ સાથે રાસ ગરબાની રમઝટ, ભજન કીર્તન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર પણ ચાલશે. ૧૦ દિવસના ભક્તિમય વાતાવરણ બાદ બાપાને વાજતે ગાજતે અગલે સાલ જલ્દી આનાના નાદ સાથે વિસર્જન કરવામાં આવશે.