સતત ચોથા વર્ષે વિજ્ઞાનપ્રવાહનાં પરિણામમાં મોરબી મોખરે

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું વર્ષ ૨૦૨૬નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યનું સરેરાશ પરિણામ ૮૪.૩૩% આવ્યું છે, જે ગયા વર્ષના ૮૩.૫૧% કરતા થોડું વધારે છે. ખાસ વાત એ છે કે મોરબી જિલ્લો ૯૪.૮૫% પરિણામ સાથે સતત ચોથા વર્ષે રાજ્યમાં પ્રથમ નંબરે રહ્યો છે. મોરબીએ ગયા વર્ષના પોતાના ૯૨.૯૧% ના રેકોર્ડમાં પણ સુધારો કર્યો છે.

પરિણામની વિગતો જોઈએ તો, આ વર્ષે કુલ ૧,૧૧,૦૯૦ નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૯૩,૬૭૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે પણ દીકરીઓએ બાજી મારી છે; વિદ્યાર્થિનીઓનું પરિણામ ૮૪.૬૫% અને વિદ્યાર્થીઓનું ૮૪.૦૪% રહ્યું છે. ગ્રુપ મુજબ પરિણામ જોઈએ તો, A ગ્રુપનું ૯૦.૭૯% અને B ગ્રુપનું ૭૯.૮૭% પરિણામ આવ્યું છે.

કેન્દ્રોની વાત કરીએ તો, મોરબીના હળવદ કેન્દ્ર પર કુલ ૫૦૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૫૦૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે. મોરબીનું કુલ ૧૦૩૬ માંથી ૯૬૪ પાસ અને ૭૩ નાપાસ વિદ્યાર્થીઓ સાથે ૯૩.૦૫% પરિણામ અને વાંકાનેરમાં ૩૦૧ વિદ્યાર્થીઓમાંથી ૨૮૬ પાસ અને ૧૮ નાપાસ સાથે ૯૫.૦૨% પરિણામ આવ્યુ છે. બનાસકાંઠાનું કુંભારિયા કેન્દ્ર ૯૮.૬૨% સાથે સૌથી આગળ છે, જ્યારે દાહોદનું લીમડી કેન્દ્ર ૪૨.૯૮% સાથે છેલ્લા ક્રમે છે. જિલ્લાઓમાં પણ દાહોદ જિલ્લો ૫૭.૪૪% સાથે સૌથી પાછળ રહ્યો છે. ૧૦૦% પરિણામ લાવતી શાળાઓની સંખ્યા આ વખતે વધીને 209 થઈ છે, જે ગયા વર્ષે ૧૯૪ હતી.

આ વર્ષે A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ બમણી થઈને ૧૫૭૬ પર પહોંચી છે, જે ગયા વર્ષે માત્ર ૮૩૧ હતી. ગુજરાતી માધ્યમનું પરિણામ ૮૪.૩૨% અને અંગ્રેજી માધ્યમનું ૮૫.૧૩% રહ્યું છે.

Leave A Reply

Your email address will not be published.