હળવદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વૃદ્ધ તથા વિધવા પેન્શનધારકો માટે હયાતી ખરાઈ ફરજિયાત

તા. ૩૦ મે સુધી ઓનલાઈન ફેસ ઓથેન્ટિકેશન અથવા બાયોમેટ્રિકથી કરાવવી પડશે હયાતી ખરાઈ, નહીં તો પેન્શન બંધ કરવાની કાર્યવાહી થશે

 

હળવદ તાલુકાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સરકારની નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તેમજ ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) હેઠળ પેન્શન મેળવનાર તમામ લાભાર્થીઓ માટે હયાતીની ખરાઈ ફરજિયાત કરવામાં આવી છે.

 

મામલતદાર કચેરી હળવદ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ દર વર્ષે પેન્શનધારકોએ પોતાની હયાતીની ખરાઈ કરાવવાની રહે છે. આ વર્ષે Beneficiary Satyapan Application દ્વારા ઓનલાઈન Face Authentication અથવા Biomatric પદ્ધતિથી ખરાઈ કરવાની રહેશે. લાભાર્થીઓ પોતાના મોબાઈલમાં પ્લે સ્ટોર પરથી Beneficiary Satyapan Application ઇન્સ્ટોલ કરી જાતે હયાતીની ખરાઈ કરી શકશે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ ગ્રામ પંચાયતના TCM/VCE પાસે જઈ પણ હયાતીની ખરાઈ કરાવી શકશે.

 

તે સિવાય મામલતદાર કચેરી હળવદ ખાતે આવેલ સહાય શાખા અને જનસેવા કેન્દ્ર પર પણ હયાતીની ખરાઈની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે. ખરાઈ માટે આધાર કાર્ડ તથા OTP માટે મોબાઈલ ફોન સાથે લાવવો ફરજિયાત રહેશે. હળવદ મામલતદાર એન.આર. રાઠોડે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે તા. ૩૦/૦૫/૨૦૨૬ સુધીમાં હયાતીની ખરાઈ પૂર્ણ કરાવવી જરૂરી છે. જો નિયત સમયમર્યાદામાં હયાતીની ખરાઈ નહીં થાય તો નિયમો મુજબ પેન્શન બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હળવદ ગ્રામ્ય અને શહેર વિસ્તારના તમામ પેન્શનધારકોએ આ બાબતે ખાસ નોંધ લેવા અપીલ કરવામાં આવી છે.

 

મયુર રાવલ હળવદ

Leave A Reply

Your email address will not be published.