મોરબીના જુના સાદુળકા ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા બાળક સહીત ત્રણના મોત
જુના સાદુળકા ગામમાં કરુણાંતિકા સર્જાતા ગામમાં શોકનો માહોલ ફાયર બ્રિગેડ ટીમે ભારે જહેમત ઉઠાવી મૃતદેહો બહાર કાઢ્યા




મોરબીના જુના સાદુળકા ગામ પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા બાળક સહીત ત્રણના મોત થતા અરેરાટી ફેલાઈ છે ત્રણ વ્યક્તિ ડુબ્યાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને કલાકોની જહેમત ઉઠાવી મૃતદેહો બહાર કાઢવામાં સફળતા મળી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના સાદુળકા ગામે પાણીના ખાડામાં ૩ લોકો ન્હાવા ગયા બાદ ડૂબી ગયાની માહિતી સવારે ૧૧ વાગ્યાના અરસામાં ફાયર ટીમને મળી હતી જેથી ફાયર ટીમના તરવૈયાઓ દોડી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ફાયર ટીમે કલાકો સુધી સતત શોધખોળ કર્યા બાદ ત્રણ કલાકથી વધુ સમય બાદ ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા મૃતક હાથાભાઈ કુંજાભાઈ રાતડીયા (ઉવ.૨૮), જયદેવ સોંડાભાઈ રાતડીયા (ઉ.વ.૧૧) અને કાળુભાઈ ગીગુભાઇ ભરવાડ (ઉ.વ.૩૧) એમ ત્રણ વ્યક્તિના મોત થયા હતા
ફાયર ટીમે ત્રણેય મૃતદેહો બહાર કાઢી પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે હાલ પ્રાપ્ત વિગતો મુજબ ત્રણેય મૃતકો માલઢોર ચરાવવા ગયા હતા અને પાણીના ખાડામાં ન્હાવા ગયા બાદ ડૂબી જતા મોત થયા છે જોકે પોલીસ તપાસ બાદ વધુ વિગતો પ્રાપ્ત થશે હાલ બનાવને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે તો ત્રણેય મૃતકોના પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા


