

હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર માર્કેટ યાર્ડ સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી અર્ટિગા કારે એક યુવાનને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ, હળવદના ભવાની નગર ઢોરો વિસ્તારમાં રહેતા રોહિતભાઈ ઠાકરશીભાઈ કુડેચાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના ભાઈ અરવિંદભાઈ રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સફેદ કલરની મારૂતિ સુઝુકી અર્ટિગા કાર નંબર-GJ 03 PJ 7105 ના ચાલકે પોતાની કાર બેફિકરાઈ અને પૂરઝડપે ચલાવી અરવિંદભાઈને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અરવિંદભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાની કાર લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. હાલ પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


