

હળવદ પોલીસએ પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા બુટલેગર સામે કાર્યવાહી કરતાં તેને PASA હેઠળ ડિટેઇન કરી જેલ હવાલે કર્યો છે. વાંકાનેર વિભાગના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.
હળવદ પીઆઈ આર.ટી. વ્યાસ દ્વારા આરોપી અલ્તાફ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ સામે તેના ગુનાહિત ઇતિહાસના આધારે PASA હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા PASA વોરંટ જારી થતાં જ પોલીસે તાત્કાલિક એક્શન લઈ અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઇંગ્લિશ દારૂના ગેરકાયદેસર વેપારમાં સક્રિય હતો અને અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો. સમાજમાં અસામાજિક પ્રવૃત્તિઓ ફેલાવનાર આવા તત્વો સામે કડક સંદેશ આપવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
હળવદ પોલીસએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રોહિબીશનના કાયદાનો ભંગ કરનાર કોઈને બક્ષવામાં નહીં આવે અને આવા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
મયુર રાવલ હળવદ


