મોરબીમાં આઇપીએલ પર સટ્ટો રમતા ચાર શખ્સ પોલીસ સકંજામાં: ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે, એકની શોધખોળ

મોરબીના શનાળા રોડ પર આવેલ એક કોમર્શિયલ કોમ્પ્લેક્સની ઓફિસમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર રનફેરનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ઓફિસમાં બેસીને લાઈવ સ્કોર જોઈ પૈસાની હારજીત કરતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત લાખોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, શનાળા રોડ પર આવેલા લેન્ડમાર્ક આર્કેડ શોપિંગ સેન્ટરના બીજા માળે ‘શ્રી કૃષ્ણ એન્ટરપ્રાઇઝ’ નામની ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે સીટી એ ડિવિઝન પોલીસે રેઈડ કરતા ઓફિસ માલિક ઉત્તમ રમેશભાઇ કાવર સહિત હાર્દિક પ્રવિણભાઇ રંગપરીયા, વકીલ હાર્દિક બાબુભાઇ રૂપાલા અને ભાવિક ગણેશભાઇ ગોધવીયા નામના શખ્સો આઈપીએલ મેચ પર જુગાર રમતા મળી આવ્યા હતા. તપાસમાં ખુલ્યું હતું કે આરોપીઓએ વિશાલ દેવદાનભાઇ ડાંગર નામના શખ્સ પાસેથી આઈડી મેળવીને આ જુગાર શરૂ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂ. ૭,૫૦૦ રોકડા અને ૩ લાખની કિંમતના ૫ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૩,૦૭,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી છે અને આઈડી આપનાર અન્ય શખ્સની શોધખોળ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.