

વાંકાનેરના ભલગામ પુલ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં પુરઝડપે જતી સ્વીફ્ટ કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં ૧૬ વર્ષીય કિશોરીનો પગ કપાઈ જતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. વાંકાનેર તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ, રાજકોટના બામણબોર નવાપરા ગામે રહેતા રમેશભાઈ કડવાણીની પુત્રી સર્ધાબેન ઉર્ફે શારદાબેન ઉ.વ. ૧૬ અન્ય મિત્રો રાહુલ ધરજીયા, સંજયભાઈ અને વિરાજભાઈ સાથે સ્વીફ્ટ કાર નંબર GJ-03-KH-1696 માં મેસરીયા ગામે ગોલા ખાવા માટે ગયા હતા. ગોલા ખાઈને પરત કુચીયાદળ જતી વખતે વાંકાનેર બાઉન્ટ્રી પાસે ભલગામ પુલ નજીક કારના ચાલક રાહુલભાઈ ધરજીયાએ વાહન પુરઝડપે ચલાવતા અચાનક કારનું આગળનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર રોડ સાઈડના પતરાના ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ હતી.
આ ટક્કર એટલી ભીષણ હતી કે ડિવાઈડરનું પતરું કિશોરીના જમણા પગમાં લાગતા તેનો પગ કાંડાના ભાગથી કપાઈ ગયો હતો. આ અકસ્માતમાં અન્ય સાહેદ વિરાજભાઈને પણ બંને પગમાં ઈજાઓ પહોંચી છે. પોલીસે બેફિકરાઈથી વાહન ચલાવવા બદલ ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.


