

મોરબીના વીસીપરા વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલી બોલાચાલીની અદાવત રાખી એક શખ્સે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની ગાડી સાથે પોતાની સ્કોર્પિયો ભટકાડી નુકસાન કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ મામલે સીટી બી-ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વીસીપરા કુલીનગરમાં રહેતા શાહરૂખભાઇ ફીરોજભાઇ પઠાણને બે દિવસ પહેલા આરોપી સાજીદભાઇ સાઉદીનભાઇ જેડાના ભાઈ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી આરોપીએ ફરિયાદીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ જ્યારે ફરિયાદી વીસીપરા મેઈન રોડ પર ગોવિંદભાઈના ડેલા પાસે તેના મિત્રની ક્રેટા ગાડી નં. GJ-36-AR-4143 સાથે ઊભા હતા, ત્યારે આરોપીએ પોતાની સ્કોર્પિયો ગાડી સ્પીડમાં લાવી ક્રેટા સાથે ભટકાવી હતી.
આ અકસ્માતમાં ક્રેટા ગાડીના જમણી સાઈડના દરવાજા, આગળના બમ્પર અને પાછળના ભાગે મોટું નુકસાન પહોંચ્યું હતું. તોડફોડ અને નુકસાન કર્યા બાદ આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો, જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.


