

મોરબીના રવાપર રોડ પર રહેતા એક વેપારી સાથે જમીનના સોદાના નામે રૂ. ૧.૧૧ લાખની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ ખાતેદારના નામે નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવી વેપારીને વિશ્વાસમાં લીધા હતા. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જમીન દલાલો સહિત છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, ફરિયાદી જીકરભાઇ રજાકભાઇ ડોસાણી સાથે આરોપીઓએ વજેપર સર્વે નંબર-૩૧૮ વાળી જમીનનો સોદો નક્કી કર્યો હતો. આ જમીનના અસલ ખાતેદાર રામજીભાઇ કાળાભાઇ દલવાડી છે, પરંતુ તેમના નામે છેતરપિંડી કરવાના ઇરાદે આરોપી બળદેવ જાદવજીભાઇ વરસડાએ રામજીભાઇનું ખોટું નામ ધારણ કર્યું હતું. આરોપી અલ્તાફ વલિભાઇ કોરડિયા, કાંતીલાલ છગનભાઇ કાવર અને કાળુભાઇ લખમણભાઇ ગોલતરે મળીને બળદેવભાઇ માટે રામજીભાઇના નામના બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ તૈયાર કર્યા હતા.
આ કાવતરામાં જમીન દલાલ દયારામ પુંજાભાઇ ડાભી અને મુકેશ નારણભાઇ કંજારિયાએ પણ દલાલ બનીને પોતાની ભૂમિકા ભજવી હતી. આરોપીઓએ નકલી દસ્તાવેજોને ખરા તરીકે દર્શાવી ફરિયાદી પાસેથી સોદા પેટે રૂ. ૧,૧૧,૦૦૦ ની રકમ પડાવી લીધી હતી. જ્યારે ફરિયાદીને આ દસ્તાવેજો બનાવટી હોવાની જાણ થઈ, ત્યારે તેમણે ફરિયાદ કરી હતી. પોલીસે અત્યારે છેતરપિંડી, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો ઉભા કરવા બદલ છ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


