

વાંકાનેર સીટી પોલીસે મીલનપાર્ક સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વેચાણ કરવાના ઈરાદે દારૂ છુપાવીને રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને મુદ્દામાલ કબજે કર્યો છે.
બનાવની વિગત મુજબ, વાંકાનેર રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી મીલનપાર્ક સોસાયટીમાં રહેતો ક્રિપાલસિંહ બાબુભા જાડેજા પોતાના મકાનમાં દારૂનો સંગ્રહ કરીને તેનું વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે સાંજના સમયે મકાનમાં તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની ૭૫૦ એમ.એલ.ની ૫ બોટલ તેમજ ૧૮૦ એમ.એલ.ના ૧૭ નંગ ચપલા મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૧૪,૮૮૦ ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે. આ દારૂનો જથ્થો કોની પાસેથી મેળવ્યો હતો અને અન્ય કોઈ આ પ્રવૃત્તિમાં સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


